ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે જામનગરની પાંચ બેઠકો પર યોજાયેલું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. જિલ્લાની પાંચ બેઠકો પર 45 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે. તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો 8 ડિસેમ્બરે થશે. જિલ્લામાં 5 વાગ્યા સુધીમાં અંદાજિત 56 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર 45 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે. જેઓના ભાવિનો 8મી ડીસેમ્બરે ફેંસલો થશે.
જામનગર જિલ્લામાં 5 વાગ્યા સુધીમાં નોંધાયેલા અંદાજિત મતદાનના આંકડા
બેઠક | મતદાન |
કાલાવડ | 53.58 ટકા |
જામજોધપુુર | 61.73 ટકા |
જામનગર ઉત્તર | 55.96 ટકા |
જામનગર ગ્રામ્ય | 53.83 ટકા |
જામનગર દક્ષિણ | 55.69 ટકા |
ધ્રાફા ગામમાં મહિલા મતદારો માટે અલગ બુથ ન બનાવાતા મતદાનનો બહિષ્કાર
જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠકમાં આવતા ધ્રાફા ગામમાં મહિલા મતદારો માટે અલગ બુથ ઉભું કરવામાં આવતું. પરંતુ, આ ચૂંટણીમાં અલગ બુથની વ્યવસ્થા ન થતા નારાજ થયેલા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. સવારે 8 વાગ્યા થી લઈ સાંજે 5 વાગ્યા સુધી મતદાનના સમય દરમિયાન ગામમાં એક પણ મત પડ્યો ન હતો. ગામલોકો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા સમજાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ, તેમાં સફળ રહ્યા ન હતા.
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ મતદાન કર્યું
જામનગર શહેરની ઉત્તર બેઠક પર ક્રિકટર રવીન્દ્ર જાડેજાએ મતદાન કર્યું હતું. રવીન્દ્ર જાડેજા પોતાના ઘરેથી નીકળી પહેલા મહાદેવના દર્શન કરી મતદાન કરવા પહોંચ્યા હતા. રવીન્દ્ર જાડેજાની સાથે તેમના પત્ની અને જામનગર ઉત્તર બેઠકના ઉમેદવાર રીવાબા જાડેજા પણ સાથે રહ્યા હતા. મતદાન કર્યા બાદ રવીન્દ્ર જાડેજાએ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.
જામનગરની પાંચ બેઠક પર ભાજપ,કૉંગ્રેસ અને AAPના ઉમેદવાર
જામનગરની કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ?
બેઠક | ઉમેદવારની સંખ્યા |
કાલાવડ | 5 |
જામનગર ગ્રામ્ય | 6 |
જામનગર ઉત્તર | 11 |
જામનગર દક્ષિણ | 14 |
જામજોધપુર | 9 |
જામનગર જિલ્લાની બેઠકો વાઈઝ મતદારોની સંખ્યા
બેઠક | પુરુષ | મહિલા | અન્ય | કુલ |
કાલાવડ | 120221 | 113103 | 2 | 233326 |
જામનગર ગ્રામ્ય | 130083 | 123413 | 0 | 253496 |
જામનગર ઉત્તર | 134765 | 128717 | 1 | 263483 |
જામનગર દક્ષિણ | 117325 | 113405 | 10 | 230740 |
જામજોધપુર | 117042 | 110483 | 1 | 227526 |
કુલ મતદારો | 6,19,436 | 5,89,121 | 14 | 12,08,571 |
2017 વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને 3 અને ભાજપને 2 બેઠક મળી હતી
પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે યોજાયેલી 2017 વિધાનસભા ચૂંટણીમાં જામનગર શહેરની બે બેઠકો ભાજપને મળી હતી. જ્યારે ગ્રામ્યની ત્રણ બેઠકો કૉંગ્રેસના ફાળે ગઈ હતી. જો કે, જામનગર ગ્રામ્ય બેઠક પર 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની જીત થતા હાલ ત્રણ બેઠકો ભાજપ પાસે અને બે બેઠકો કૉંગ્રેસ પાસે છે.
જામનગર ઉત્તર બેઠક
જામનગર જિલ્લાની પાંચ બેઠકોમાં જો સૌથી કોઈ ચર્ચાસ્પદ બેઠક હોય તો તે જામનગર ઉત્તર બેઠક છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ હકુભા જાડેજાની ટિકિટ કાપી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. જ્યારે કૉંગ્રેસે અહીં જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ જામનગર મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કરશન કરમુરને ટિકિટ આપી છે. આ બેઠક પર આમ તો કુલ 11 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
જામનગર દક્ષિણ બેઠક
જામનગર દક્ષિણ બેઠક પર વર્ષ 2017માં આર.સી.ફળદુની જીત થઈ હતી. જો કે, આ વખતે આર.સી.ફળદુએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરતા ભાજપે દિવ્યેશ અકબરીને ટિકિટ આપી છે. જ્યારે કૉંગ્રેસે અહીં મનોજ કથીરિયાને અને આમ આદમી પાર્ટીએ વિશાલ ત્યાગીને ટિકિટ આપી છે. અહીં કુલ 14 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
જામનગર ગ્રામ્ય બેઠક
જામનગર ગ્રામ્ય બેઠક 2017માં ભાજપે ગુમાવી હતી. અહીં કૉંગ્રેસના વલ્લભ ધારવિયાની જીત થઈ હતી. જો કે, 2019માં વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી અને કૉંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના રાઘવજી પટેલની જીત થઈ હતી. 2022ના જંગમાં ભાજપે રાઘવજી પટેલને રિપિટ કર્યા છે. તો કૉંગ્રેસે અહીંથી જીવણ કુંભરવાડિયાને અને આમ આદમી પાર્ટીએ પ્રકાશ દોંગાને ટિકિટ આપી છે. આ બેઠક પર કુલ 6 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
જામજોધપુર બેઠક
2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જામજોધપુર બેઠક ગુમાવી હતી. અહીં કૉંગ્રેસના ચિરાગ કાલરિયાની જીત થઈ હતી. 2022ના ચૂંટણી જંગમાં કૉંગ્રેસે અહીં ચિરાગ કાલરિયાને રિપિટ કર્યા છે. તો ભાજપે પણ જૂના જોગી ચીમન સાપરિયાને મેદાને ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ હેમંત ખવાને ટિકિટ આપી છે. જામજોધપુર બેઠક પર કુલ 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
કાલાવડ બેઠક
કાલાવડ એસસી અનામત બેઠક છે. આ બેઠક પર 2017માં કૉંગ્રેસના પ્રવિણ મુછડિયાની જીત થઈ હતી. 2022ના જંગમાં કૉંગ્રેસ પ્રવિણ મુછડિયાને રિપિટ કર્યા છે. તો ભાજપે પણ અહીં પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડાને મેદાને ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ડો. જિગ્નેશ સોલંકીને ટિકિટ આપી છે. આ બેઠક પર કુલ 5 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
જામનગર જિલ્લાની બેઠક વાઈઝ 2017માં થયેલું મતદાન
બેઠક | મતદાનની ટકાવારી |
કાલાવડ | 61.10 |
જામનગર ગ્રામ્ય | 66.28 |
જામનગર ઉત્તર | 65.50 |
જામનગર દક્ષિણ | 64.55 |
જામજોધપુર | 66.06 |
જિલ્લાનું સરેરાશ મતદાન | 64.70 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.