અકસ્માતને આમંત્રણ:દરરોજ 5,000 વાહનચાલકો પસાર થાય છે તે ગુલાબનગર ઓવરબ્રીજ પર જીવલેણ ગાબડા

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુલ 17 વર્ષમાં ખખડધજ બની જતાં કામગીરીની ગુણવતા અને જાળવણી સામે સવાલ
  • 700 મીટરના બ્રીજનો ફકત 3 વર્ષનો ગેરંટી પીરિયડ હતો: ખાડાના કારણે પુલ ગાડા માર્ગ બનતા વાહનમાં નુકસાનની સાથે કમરના દુ:ખાવામાં વધારો

જામનગરમાં 24 કલાક વાહનોથી ધમધમતા અને દરરોજ 5000 થી વધુ વાહનચાલકો પસાર થાય છે તે ગુલાબનગર ઓવરબ્રીજ પર જીવલેણ ગાબડાથી વાહનચાલકો પર અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. આર એન્ડ બી અને રેલવે વિભાગની દેખરેખ હેઠળ બનેલો પુલ 17 વર્ષમાં ખખડધજ બની જતાં કામગીરીની ગુણવતા અને જાળવણી સામે સવાલ ઉઠયા છે. 700 મીટરના ઓવરબ્રીજનો ફકત 3 વર્ષનો ગેરંટી પીરિયડ હતો. ખાડાના કારણે પુલ ગાડા માર્ગ બનતા વાહનમાં નુકસાનની સાથે કમરના દુ:ખાવા વધારી રહ્યા છે.

મસમોટા ખર્ચે શહેરના પ્રવેશદ્વાર પર ઓવરબ્રીજ બનાવામાં આવ્યો હોય 24 કલાક આ પુલ પરથી વાહનોનું આવગમન રહે છે. વળી, રાજકોટ જવા માટેનો આ મુખ્ય માર્ગ છે. જેના કારણે આ પુલ પર સતત ટ્રાફીક રહે છે. પરંતુ પુલ પર મસમોટા ખાડાના કારણે પુલ ગાડા માર્ગમાં ફેરવાયો છે. જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. બીજી બાજુ ખાડાના કારણે પુલ પરથી પસાર થતાં વાહનચાલકો પર અકસ્માતનું જોખમ ઝંળુબી રહ્યું છે.

બ્રીજનો ખર્ચ 27 કરોડ: ફક્ત 5 વર્ષનો ગેરંટી પિરીયડ
જામનગર શહેરમાં દિગ્જામ સર્કલથી સર્મપણ સર્કલ સુધી બનેલા ઓવરબ્રીજનું કામ તા.22-1-2017 ના રોજ પૂર્ણ થયું હતું. આ ઓવરબ્રીજ બનાવવા પાછળ કુલ રૂ.27.29 કરોડનો ખર્ચ થયો હતો. જેનો ગેરંટી પિરિડ 5 વર્ષ એટલે કે આ સમયગાળામાં કોઇ નુકસાન થાય તો કોન્ટ્રાકટરે પોતાના ખર્ચે સમારકામ કરવાનું રહે છે. પરંતુ આ સમયગાળો પૂર્ણ થતા ઓવરબ્રીજ પર પેચવર્ક હવે મનપાએ કરવાનું રહેશે.

પુલના માર્ગને રીપેર કરવા સૂચના અપાઇ છે
ગુલાબનગર ઓવરબ્રીજ પર ખાડા પડી ગયા છે. આથી પુલના માર્ગને રીપેર કરવાની સૂચના આપવામાં આવી છે. સંભવત: બે દિવસ સુધીમાં આ કામગીરી થઇ જશે.> કે.બી.છૈયા, ડીઇઇ, સીટી સબડીવીઝન, આર એન્ડ બી, જામનગર.

દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલના ઓવરબ્રીજમાં પણ ખાડા
જામનગરમાં પાંચ વર્ષ પહેલા બનેલા દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ સુધીના ઓવરબ્રીજમાં પણ ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ પુલ વર્ષ-2017 માં ખુલ્લો મૂકાયો હતો. જેનો ગેરંટી પરિયડ પાંચ વર્ષ હોય પૂર્ણ થતાં મહાનગરપાલિકાએ પુલના માર્ગનું સમારકામ કરવાનું છે. પરંતુ સમારકામ ન થતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...