બેદરકારી:ધરમપુર પાસે લમ્પીગ્રસ્ત ગાયોના મૃતદેહો ખૂલ્લામાં ફેંકાયા

ખંભાળિયા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિના મુખ્ય મથક ખંભાળિયા જિલ્લા સેવા સદન પંથકમાં ખુલ્લેઆમ નિકાલ, ગૌપ્રેમીઓમાં રોષ
  • 50 જેટલા મૃતદેહોનો ખડકલો, તાકિદે યોગ્ય નિકાલ માટે પ્રબળ માંગણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે જિલ્લા સેવા સદન પાછળ પચાસ જેટલી ગાયોના મૃતદેહને બેદરકારીભરી રીતે ફેંકી દેવાયા હોવાનુ સામે આવતા ગૌપ્રેમીઓમાં કચવાટ સાથે ભારે રોષની લાગણી ફેલાઇ છે. આ મૃતદેહનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવા માટે માંગણી ઉઠી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુધાળા પશુ માટે કાળ બનીને પ્રસરેલા લમ્પી વાયરસને પગલે ખૂબ મોટી સંખ્યામાં ગાય તેમજ ગૌવંશ તેનો દિન પ્રતિદિન શિકાર બની રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં સત્તાવાર કેસ 5688 જેટલા નોંધાયા છે. જયારે મોતનો સત્તાવાર આંક 63 પહોંચ્યો છે. જોકે દેવભૂમિ દ્વારકા પંથકમાં બિન સત્તાવાર જોઈએ તો લમ્પીગ્રસ્ત પશુઓ અને મોતનો આંકડો ખૂબ જ વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ લમ્પી વાયરસના મૃતદેહને ખુલ્લા મૂકી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

ખંભાળીયા નજીક જિલ્લા સેવા સદન પાછળ ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ગૌવંશના પચ્ચાસ જેટલા મૃતદેહ ખુલ્લામાં એમજ નાખી દેવાતા તંત્રની બેદરકારી સામે આવી હતી. જેથી ગૌપ્રેમીઓ સ્થળ ઉપર પહોંચી જઈને આ ખુલ્લા મૃતદેહનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય રીતે નિકાલ કરવા માંગણી કરી છે. આવી રીતે ખુલ્લામાં ગૌમાતાના મૃતદેહને નાખી દેવાતા લોકોમાં ભારે કચવાટની લાગણી સાથે રોષની લાગણી જોવા મળી હતી. રોગગ્રસ્ત ગાયોના સરાજાહેર ફેંકી દેવાયેલા મૃતદેહને કારણે પંથકભરમાં અરેરાટી વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...