મેઘમહેર:જામનગરમાં દે ધના ધન, શહેરમાં વહેલી સવારે ધોધમાર 2 ઈંચ વરસાદ વરસ્યો, અલીયા ગામ બેટમાં ફેરવાયુ

જામનગરએક વર્ષ પહેલા
  • જામનગર તાલુકાના અલીયા ગામમાં ધોધમાર વરસાદથી ગામની નદીઓમાં ઘોડાપૂર
  • ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાનો વોડીસંગ ડેમ ઓવરફ્લો
  • કાલાવડમાં એક ઈંચ, લાલપુરમાં પોણો ઇંચ તેમજ જામજોધપુર, જોડિયા અને ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ

જામનગર શહેર અને જિલ્લામાં આજે રવિવાર વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો તેમજ ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા. જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. જામનગર શહેરમાં આજે સવારે બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકાના અલીયા ગામમાં ધોધમાર વરસાદને કારણે ગામ બેટમાં ફેરવાયું હતું. ગામની નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે.

જામનગર શહેરમાં આજે સવારે બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જામનગર જિલ્લાનો વોડીસંગ ડેમ ઓવરફ્લો થયો છે. જેથી ધુતારપુર સુમરી અને ધુડશીયાના ગ્રામજનોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

જિલ્લામાં વરસાદી માહોલજામનગર જિલ્લામાં આજે રવિવારે સવારથી વરસાદી માહોલ ફરી બન્યો છે. ગઈ કાલે માત્ર જોડિયા અને લાલપુરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જયારે આજે સવારથી જામનગરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જયારે કાલાવડમાં એક ઈંચ, લાલપુરમાં પોણો ઇંચ તેમજ જામજોધપુર, જોડિયા અને ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ
જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની વાત કરીએ તો ગઈ કાલે શનિવારે વસઈ, લાખાબાવળ, ધુતારપર અને મોટી બાણુંગારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે જોડિયાના હડિયાણા, બાલંભા અને પીઠડમાં અડધો ઇંચ, જામજોધપુરના શેઠ વડાળા, ધુનડા, પરડવા અને જામવાડીમાં પણ અડધો ઇંચ, લાલપુરના પીપરટોળા, પડાણા, ભણગોર, મોડપર અને ડબાસંગ ગામે પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

હજુ પણ વધુ વરસાદ પડવાની શક્યતાજામનગર જિલ્લામાં આજે રવિવારે સવારે 6 વાગ્યાથી જ ગાઢ વરસાદી માહોલ જામ્યો છે. જેનું કેન્દ્ર સ્થાન જામનગર રહ્યું છે. જામનગરમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 57 મી.મી, કાલાવડમાં 20 મી.મી, લાલપુરમાં 18 મી.મી, જામજોધપુરમાં 11 મી.મી, જોડિયામાં 10 અને ધ્રોલમાં 13 મી.મી વરસાદ પડ્યો છે. હજુ પણ વરસાદી જોર યથાવત છે ત્યારે વધુ વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યકત કરી છે.

જામનગરમાં સીઝનનો 38 ટકા જ વરસાદ
જિલ્લામાં મોસમના કુલ વરસાદની વાત કરવામાં આવે તો, કાલાવડમાં 76 ટકા, જોડિયામાં 66 ટકા, ધ્રોલમાં 62 ટકા, લાલપુરમાં 52 ટકા, જામજોધપુરમાં 57 ટકા અને સૌથી ઓછો વરસાદ જામનગરમાં માત્ર 38 ટકા જ પડ્યો હોવાના આકડા ડિજાસ્ટર મેનેજમેંટ કંટ્રોલરૂમમાં જાહેર થયા છે.

ઘી નદીમાં પૂર, સોસાયટીમાં પાણી ઘૂસી ગયા
ખંભાળિયાની ઘી નદીમાં અને મહાપ્રભુજી બેઠક પાસેથી પસાર થતી નદીમાં પુરૂ આવ્યા હતા. શહેરમાં નગરગેઇટ, રેલ્વે સ્ટેશન, લુહારશાળ, રામનાથ સોસાયટી, પોરનાકા સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવામાં મુશ્કેલી સર્જાઇ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીનાળાઓ છલકાયા હતા.

ઘી ડેમમાં 1, સિંહણ ડેમમાં 2 ફૂટ નવા નીર
ખંભાળિયા શહેરની જીવાદોરી સમાન ઘી ડેમમાં ઉપરવાસમાં વરસાદને કારણે સાંજ સુધી 1ફૂટ નવા નીર આવક થતાં ડેમની સપાટી સાડા પાંચ ફૂટ સુધી પહોંચી હતી. આરાધના ડેમ પાસે આવેલા સિંહણ ડેમમાં 2 ફૂટ નવા નીરની આવક થઈ હતી.

ફૂલઝર, રૂપારેલ, વોડીસાંગ, આજી-3 ડેમમાં નવા નીરની વિપુલ આવકથી ગામોને સાવચેત કરાયા
જામનગર જિલ્લામાં રવિવારે મેઘરાજાએ મહેર કરતા ફૂલઝર-1 ડેમ 90 ટકા, રૂપારેલ ડેમ 70 ટકા, વોડીસાંગ ડેમ 80 ટકા, આજી-3 ડેમ 80 ટકા ભરાઇ જતાં આ ડેમ હેઠળ આવતા બોડકા, જશાપર, જીરાગઢ, મેઘપર, મોડપર, ધરમપુર, સગાડીયા, દેદકદડ, ધુડશીયા, ઘુતારપર, ગોલણીયા, ખંઢેરા, નાગપુર, વોડીસાંગ, પસાયા, બેરાજા, ધુડશીયા, ધુતારપર, સુમરી ગામોને સાવચેત કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...