રિસર્ચ:થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના અવયવોને થતું નુકસાન આયુર્વેદથી નિયંત્રિત કરી શકાય

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થેલેસેમિયાગ્રસ્ત બાળકોને 3 વિભાગમાં વહેંચી યુનિવર્સિટીમાં કરાયો અભ્યાસ

જામનગરમાં ગત વર્ષે 450 બાળકો આ રોગનો શિકાર બન્યા હતા. સામાન્ય રીતે આ રોગના લક્ષણો 1 થી 6 વર્ષ દરમ્યાન સામે આવતા હોય છે. તાજેતરમાં જામનગરની ઈટ્રાની વિદ્યાર્થિની દ્વારા 107 થેલેસેમિયાગ્રસ્ત બાળકો પર કરાયેલા રિસર્ચમાં સામે આવ્યું હતું કે, રસાયણવટી અને ગંધકાદી યોગવટીથી દર્દીઓમાં લોહી ચઢાવવાના સમયથી 7 દિવસનો વધારો કરી શકાય છે. સામાન્ય રીતે આ દર્દીને એક મહિને લોહી ચડાવવું પડતું હોય છે.

જામનગર ઈટ્રાની વિદ્યાર્થીની રેનું ધાયલે ડો. વી.કે. ગોરીના માર્ગદર્શન હેઠળ આ રિસર્ચ કર્યું હતું. જેમાં 2થી 12 વર્ષના 107 બાળકો પર સંશોધન કરાયું હતું. આ બાળકોને 3 ગ્રુપમાં વહેંચવામાં હતા. જેમાં 35 બાળકોને ગ્રુપ એ, 36 બાળકોને ગ્રુપ બી અને અન્ય 36 બાળકોને ગ્રુપ્સમાં સી રાખવામાં આવ્યા હતા. ગ્રુપ એના બાળકોને થેલેસેમીયાની સામાન્ય દવાઓ અને રૂટિન ટ્રીટમેન્ટ આપી હતી.

ગ્રુપ બી બાળકોને થેલેસેમીયાની સામાન્ય દવા અને રૂટિન ટ્રીટમેન્ટ સાથે આયુર્વેદિક ઔષધ રસાયણ વટી અને ગંધકાદીયોગ વટી આપી હતી, જ્યારે ગ્રુપ સીના બાળકોને ફક્ત થેલેસેમીયાની સામાન્ય દવા અને રૂટિન ટ્રીટમેન્ટ સાથે આયુર્વેદિક ઔષધ સાથે ગંધકાદીયોગ વટી આપી હતી, જે બાદ સમયાંતરે સામે આવ્યું કે ગ્રુપ એ ની સરખામણીએ ગ્રુપ બીના બાળકોને લોહીમાં રહેલા હાનિકારક તત્વમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે શરીરના અન્ય અવયવોમાં થતાં નુકશાનને અટકાવી શકાય.જ્યારે ગ્રુપ એ અને બી ની સરખામણીએ ગ્રુપ સી ના દર્દી ને લોહી ચઢાવવામાં સમયથી 7 દિવસમાં વધારો કરી શકાય છે.

શરીરમાં હિમોગ્લોબીન ઝડપથી તૂટે છે
થેલેસેમિયાના દર્દીઓમાં હિમોગ્લોબીન ઝડપથી તૂટી જાય છે. સામાન્ય રીતે આ કણો 120 દિવસ સુધી જીવિત રહેતા હોય છે, પરંતુ આ રોગથી પીડિત દર્દીઓમાં માત્ર 20થી 25 દિવસની અંદર જ નાશ પામે છે, હિમોગ્લોબીન બે આલ્ફા અને બીટાથી બનતા હોય છે જેમાં બીટા ગ્લોબ્યુંલિન ચેન ન બનતા રોગ થાય છે. - ડૉ. સાગર ભીંડે, પ્રોફેસર, ઈટ્રા.

અન્ય સમાચારો પણ છે...