તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખા મસાલેદાર ગણપતિ:જામનગરના દગડુશેઠ ગણેશ મહોત્સવમાં આ વખતે રસોઈની સામગ્રીમાંથી બનાવાયા ગણપતિ, 6 હાથી અને એક ઉંદર આકર્ષણનું કેન્દ્ર બનશે

જામનગર20 દિવસ પહેલા
  • પ્રાણી પર અત્યાચાર અટકાવવા લોકજાગૃતિનો સંદેશ આપતી મૂર્તિઓ ગણેશ પંડાલમાં તૈયાર કરાય છે
  • 6 જેટલા હાથીનું પરિવાર અને એક ઉંદર આકર્ષણનું કેન્દ્ર બનશે
  • દગડુશેઠ સાર્વજનિક ગણેશ મહોત્સવ પાંચ વખત રેકોર્ડ નોંધાવી ચૂક્યું

જામનગર શહેરમાં બેડી ગેટ નજીક છેલ્લાં 25 વર્ષથી સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અલગ-અલગ પ્રકારના સંદેશો આપવામાં આવે છે, જેમાં સામાજિક, દેશભક્તિ પર્યાવરણનો સંદેશ સાથે પંડાલમાં રચના કરવામાં આવે છે.

દર વર્ષે અલગ-અલગ સંદેશો આપે એવી મૂર્તિનું સર્જન કરાય છે
દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં પણ સ્થાન મળી ચૂક્યું છે. દેવા દગડુશેઠ ગણપતિ સાર્વજનિક ગણેશોત્સવમાં આ વર્ષે રસોડામાં વપરાતી તમામ સામગ્રીઓમાંથી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરવાનું નવતર પગલું ભરવામાં આવ્યું છે. એમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે. શહેરના બેડી ગેટ વિસ્તાર પાસે કડિયા વારમાં દગડુશેઠ ગણપતિના પંડાલમાં દર વર્ષે મોટી સંખ્યામાં ગણેશભક્તો દર્શન કરવા આવે છે. પંડાલમાં દર વર્ષે અલગ-અલગ સંદેશો આપે એવી મૂર્તિનું સર્જન કરવામાં આવે છે, જેમાં પર્યાવરણ સુરક્ષા, આરોગ્ય, બેટી બચાવો, દેશભક્તિ અને શિક્ષણ જેવા અનેક સામાજિક સંદેશો આપતી ગણેશની મૂર્તિ પંડાલમાં મૂકવામાં આવે છે.

મૂર્તિ બનાવવાનું કામ પૂર્ણતાના આરે
ગત વર્ષે કોરોનાને કારણે સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જોકે આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતાં આયોજકો દ્વારા કાગળની મૂર્તિ પર રસોઈમાં વપરાતી સામગ્રી, જેવી કે જીરું 2 કિલો, રાઈ 1.5 કિલો, ધાણા 2.5 કિલો, બાદિયાન 1 કિલો, મરી 500 ગ્રામ, તજ 250 ગ્રામ, લવિંગ 500 ગ્રામ, એલચી 500 ગ્રામ, તમાલપત્ર 250 ગ્રામ, લાલ મરચાં 2 કિલો, હળદર 1.5 કિલો, હિંગ 200 ગ્રામ, મેથી 250 ગ્રામ, મીઠું 1 કિલો, વરિયાળી 1.5 કિલો, કોકમ 200 ગ્રામ વગેરેનો ઉપયોગ કરીને ગણેશજીની પાંચ ફૂટની મૂર્તિ બનાવવાનું કામ પૂર્ણતાના આરે છે.

મૂર્તિનું વજન 22 કિલો
મૂર્તિ બનાવવામાં પૂઠા અને કાગળની પસ્તીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ગણપતિની મૂર્તિનું વજન 22 કિલો જેટલું થશે. ગણપતિજીની મૂર્તિની સાથે-સાથે ઉંદર અને પંડાલમાં થીમ તૈયાર કરવામાં આવી રહી છે. એમાં નાના-મોટા થઇને 6 જેટલા હાથીનો પરિવાર હશે, જે લોકોને જાગૃતિ માટે ઉદાહરણ પૂરું પાડશે.

અગાઉ પાંચ રેકોર્ડ બનાવ્યા
વર્ષ 2012માં ગણપતિ ઉત્સવ દરમિયાન એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા સતત પાંચ વર્ષ સુધી વિવિધ રેકોર્ડ સર્જી ગિનીસ બુકમાં સ્થાન મેળવવામાં આવ્યું હતું. આ ગ્રુપ દ્વારા વર્ષ 2012માં 145 કિલોની મેગા ભાખરી, 2013માં 1,11,111 લાડુ, વર્ષ 2014માં 51.6 ફૂટની અગરબત્તી, વર્ષ 2015માં 2766 ચો.ફૂટની ગણેશ પ્રતિમા થમ્બ પેઇન્ટિંગ તેમજ વર્ષ 2017માં 791 કિલોનો ખીચડો સાત ધાન બનાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...