તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોવિડ હોસ્પિટલના વિસ્તારમાં સંચારબંધી, દર્દીના સગા-વ્હાલાઓને એકઠા થવા પર પ્રતિબંધ, અન્ય જગ્યાઓ પર ગોઠવાતી વ્યવસ્થા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ વ્યવસ્થા માટે પોલીસ તંત્રમાંથી પીઆઈ, પીએસઆઈ સહિતના મોટા કાફલાને ફરજ સોંપાઇ

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અત્યારે કોવિડ વિભાગમાં અંદાજે બે હજાર જેટલા કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ કોવિડ હોસ્પિટલ બહાર છેક મેડિકલ કેન્ટીન સુધી દરરોજ દર્દીઓના સગા-વ્હાલા, સંબંધીઓ, અન્ય વ્યક્તિઓનો ભારે જમાવડો થતો હતો. સવારથી રાત્રિ સુધી કોવિડ હોસ્પિટલની સામે, સમગ્ર રસ્તા પર લોકોના ટોળેટોળા જોવા મળતા હતાં.આ ઉપરાંત એમ્બ્યુલન્સ કે અન્ય વાહનોની સતત અવરજવર રહેતી હતી. એમ્બ્યુલન્સોમાં વેઈટીંગમાં રહેલા દર્દીઓ, તેમના સંબંધીઓ, તેની દેખરેખ માટે દોડાદોડી કરતા સ્વયંસેવકો, પેરામેડિકલ સ્ટાફના દૃશ્યો રોજીંદા બન્યા હતાં.

આ ભીડમાં એકત્ર થતાં લોકો દ્વારા મોઢા પર માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા જેવા નિયમોનું પાલન થતું ન હતું અને પરિણામે કોવિડ હોસ્પિટલ આસપાસ કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા રહે છે. આ સંજોગોમાં જિલ્લા કલેક્ટરની સૂચનાથી આજ સવારથી કોવિડ હોસ્પિટલ સામે અને તેની આસપાસનો વિસ્તાર અને મેડિકલ કેન્ટીન સુધીના માર્ગ પરથી તમામ લોકોને દૂર કરી દેવાયા હતાં. એમ.પી. શાહની પ્રતિમા પાસે ઊભા કરાયેલા સમિયાણામાં તથા મેડિકલ કોલેજ પાસે દર્દીઓના સગાસંબંધીઓને કોવિડ હોસ્પિટલથી દૂર ખસેડવામાં આવ્યા હતાં.

સોલેરિયમ પાસેથી જવાના માર્ગ પર તો આમે ય આડશો મૂકીને ત્યાં પોલીસ બંદોબસ્ત તો છે જ, અને ત્યાંથી ઈમરજન્સી વાન, ઓક્સિજનના ટેન્કર કે આવશ્યક વાહનો સિવાય કોઈને પ્રવેશવા જ દેવાતા નથી. હવે કોવિડ હોસ્પિટલ આસપાસના તમામ વિસ્તારમાંથી લોકોના ટોળાં-ભીડ દૂર થતાં એકંદરે હોસ્પિટલના સ્ટાફને પણ રાહત થઈ છે અને દર્દીઓના સગા-સંબંધીઓ કોવિડ હોસ્પિટલથી દૂરના અંતરે જતા હવે સંક્રમણથી બચી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તમામ વ્યવસ્થા માટે પોલીસ તંત્રમાંથી પી.આઈ., પી.એસ.આઈ. સહિતના મોટા કાફલાને ફરજ સોંપવામાં આવી છે.

કલેક્ટરની સૂચનાથી લોકોને હટાવાયા છે
જી.જી. હોસ્પિટલના પટાંગણમાં સગા-વ્હાલાઓ અને અન્ય લોકો ભારે સંખ્યામાં ભેગા થતાં હતા જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ કે નિયમોનું પાલન થતું ન હતું. ઉપરાંત સંક્રમણનો ભય પણ રહેતો હતો જેના કારણે કલેકટરે સૂચના આપતા લોકોને અન્ય 3 જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા છે. - ડો. નંદિની દેસાઈ, ડીન, એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...