ફરિયાદ:જામ્યુકોની ગૌશાળાનો દરવાજો તોડી ઢોર છુટા મૂકવાના મામલે ફોજદારી

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે મંડળી રચી ઇકો ગાડીમાં ધસી આવી ચોકીદારને ગાળો ભાંડયાની 6 સામે ફરિયાદ

જામનગરની ભાગોળે દડીયા પાસે શુક્રવારે રાત્રે મનપાની ગૌશાળાના દરવાજાને ધકકો મારી તોડી પાડી ચોકીદારને ગાળો ભાંડીને લગભગ ઢોરને છુટ્ટા મુકવાના પ્રકરણમાં પંચ બી પોલીસે કારમાં ધસી આવેલા છ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તમામની ઓળખ મેળવવા માટે કવાયત હાથ ધરી છે.

મનપા અને પંચ બી પોલીસના અધિકારી સ્થળો પર દોડી ગયા હતા
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર નજીક દરેડ પાસે રણજીતસાગર માર્ગ પર આવેલી મહાપાલિકાની ગૌશાળા ખાતે શુક્રવારે રાત્રે એક ઇકો કારમાં છ જેટલા શખ્સોએ ધસી આવી ત્યાં ગૌશાળાનો દરવાજો ધકકો મારી તોડી પાડી ચોકીદારને ગાળો ભાંડી તમો ઢોરને ધાસચારો આપતા નથી,કતલખાને મોકલી દો છો એમ કહી ધકકો મારી ઢોરને છુટ્ટા મુકી દિધા હોવાનુ બનાવ બહાર આવ્યો હતો.જેની જાણ થતા તુરંત મનપા અને પંચ બી પોલીસના અધિકારી સ્થળો પર દોડી ગયા હતા.આ બનાવની ભોગગ્રસ્ત ચોકીદાર ભીખુભાઇ હિરાભાઇ તંબોલીયાની ફરીયાદ પરથી પોલીસે ઇકો કારમાં ત્યાં ધસી આવેલા રવિરાજસિંહ કિરીટસિંહ જાડેજા(રે.શાંતિનગર) અને અન્ય પાંચ શખ્સ સામે જાહેર મિલ્કતને નુકશાન અને રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.અત્રે ઉલ્લેખનીય છેકે,રાત્રે છુટ્ટા મુકી દેવાયેલા ઢોર આજુબાજુના ખેતરોમાં ધુસી ગયા હતા જેથી પાકને નુકશાનની ભિતિ પણ ખેડુતોમાં પ્રસરી ગઇ હતી.આવા તમામ ઢોરને પકડી પાડવા માટે તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...