તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ પ્રકોપ:DCB, ફેડરલ, બંધન અને સિટી યુનિયન બેંકના મેનેજરો સામે ગુનો, સુપર માર્કેટના 20 વેપારી સામે પણ ફરિયાદ દાખલ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં કોરોના મહામારીનું જોર નબળુ પડ્યું છે, પણ નાબૂદ થયું નથી. પરિણામે ગુરૂવારે જામનગર પોલીસ આકરા પાણીએ આવી ગઈ હતી અને કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનારા વેપારીઓ, બેંકો તેમજ વિવિધ ફાયનાન્સિયલ ઓફિસો પર તૂટી પડી હતી.

જામનગરમાં ડીસીબી, ફેડરલ, બંધન અને સિટી યુનિયન બેંકમાં 50 ટકાથી વધુ સ્ટાફ હાજર હોવાથી તેના મેનેજરો સામે અને અડધા શટરે ધંધો કરતા સુપર માર્કેટના 20 વેપારીઓ સામે જાહેરનામા ભંગના ગુના નોંધ્યા હતા. આ પોલીસ કાર્યવાહીથી શહેરભરમાં ભારે ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી હતી.

પ્રથમવાર 4 રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજરો પોલીસ ચોપડે ચડ્યા
જામનગર પોલીસ દ્વારા કોરોના સંક્રમણને નાથવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા જાહેર માર્ગ પર વાહન ચાલકો અને ધંધાદારીઓ સામે જાહેરનામા ભંગ સંબંધીત દરરોજ કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ બુધવારે એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ઓફિસોમાં પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં કોરોનાના કહેરને રોકવા માટે પોલીસ મેદાને પડી છે ત્યારે બુધવારે એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા શહેરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર કલેકટરના તા.12-5થી 18-5-2021 સુધીના જાહેરનામાની કડક અમલવારી કરાવવા માટે પોલીસની જુદી-જુદી ટીમો બુધવારે મેદાને પડી હતી. જેમાં જોગર્સ પાર્ક પાસે આવેલ ચાર રાષ્ટ્રીયકૃત બેંકોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.

બંધન બેંક, ફેડરલ બેંક, ડીસીબી બેંક અને સીટી યુનિયન બેંકમાં કરવામાં આવેલ ચેકીંગ દરમ્યાન બેંકના મેનેજરોએ 50 ટકા જ સ્ટાફથી કામ લેવાના નિયમનો ઉલાળ્યો કર્યો હોવાનું સામે આવ્યું હતું. બેંકના નિયત સ્ટાફ કરતા વધારે સ્ટાફની હાજરી હોવાથી પોલીસ દ્વારા બેંકના મેનેજરો બ્રિજેશ સનતભાઇ ટેવાણી, સાયંત કુંતલભાઇ લહેરી, મેઘાબેન હસમુખભાઇ શાહ અને રવિભાઇ કાંતીભાઇ પાઘડા નામના અધિકારીઓ સામે જાહેરનામા ભંગ કરવા સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.

3 ફાયનાન્સ સંસ્થાઓ પણ પોલીસની ઝપટે ચડી
સરકારી તથા ખાનગી સંસ્થાઓમાં પચાસ ટકા સ્ટાફથી કામ કરવાનુ જાહેરનામુ અમલમાં છે પરંતુ મોટા ભાગની સંસ્થાઓ આનુ પાલન કરતી નથી.પોલીસ પણ માત્ર રાહદારીઓ પર ઘોંસ બોલાવે છે.આ બધા વચ્ચે જામનગર પોલીસની એલસીબી તથા એસઓજી શાખાએ આવી સંસ્થા પર કામગીરી હાથ ધરવાની શરૂઆત કરી ચાર બેન્કો સામે ગુનો નોંધ્યા બાદ આજે આવી જ ત્રણ નાણાકીય સંસ્થા ઉપર તવાઇ બોલાવી હતી.

જેમાં મુથુટ ફિનકોર્પ ફાયનાન્સ લી.,આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુલ ફંડ અને એયુ સ્મોલ ફાયનાન્સ ફંડ નામની નાણાકીય સંસ્થામાં તપાસણી હાથ ધરતા નિયત મુજબ પચાસ ટકા સ્ટાફ હોવો જોઇએ તેનાથી વધારે કર્મચારીઓ કામ કરતા હોય,રજીસ્ટર તેમજ કર્મચારીઓની હાજરી ચેક કરી એલસીબીએ ત્રણેય સામે ગુનો દાખલ કર્યો છે.

આ ઉપરાંત અન્ય ખાનગી સંસ્થાઓ અને બેન્કોમાં પણ આવી તપાસણી હાથ ધરવામાં આવી રહી છે. જામનગર શહેરમાં હજુ પણ ઘણી ઓફિસો અને સંસ્થાઓમાં 50 ટકાથી વધુ કર્મચારીઓ કામ કરે છે જેની સામે આગામી દિવસોમાં કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

પોલીસ કાફલો ત્રાટકતા સુપર માર્કેટમાં ભારે દોડધામ મચી
જામનગરમાં કોરોના સંબંધીત જાહેરનામાની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. જાહેરનામાનો અમલ કરાવવા પોલીસે રસ્તાઓ પર આવી જાહેરનામાનો ભંગ કરનાર નાગરિકો ઉપરાંત વેપારી એકમો સામે તવાઇ બોલાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ કાર્યવાહી સંબંધે પોલીસ દ્વારા શહેરની મધ્યમાં આવેલ સુપર માર્કેટમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં અડધા શટરે ધંધો કરતા વેપારીઓને આંતરી લઇ પોલીસ દ્વારા જાહેરનામા ભંગ સબંધીત કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન વેપારી આલમમાં ભાગદોડ મચી જવા પામી હતી. સુપર માર્કેટ વિસ્તારમાં ઘેરા પડઘા પડ્યા છે.

ગુરૂવારે આ કાર્યવાહીને પોલીસે વધુ વેગ આપ્યો છે. જે સંબંધીત ગુરૂવારે શહેરની મધ્યમાં આવેલ સુપર માર્કેટમાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીંના વેપારીઓ શટર બંધ રાખીને ધંધો કરતા હોવાની અન્ય બજારના વેપારીઓની ફરિયાદને લઇને પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં 20થી વધુ વેપારીઓ અડધા શટરે ધંધો કરતા મળી આવ્યા હતા જે તમામની પોલીસે અટક કરી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. એકાએક ચેકીંગને લઇને સુપર માર્કેટ વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે, પોલીસની આ કાર્યવાહીને લઇને વેપારી આલમમાં રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...