અપરાધ:વેપારીને મારવાના કેસમાં PI સહિત 6 સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ

જામનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈલેકટ્રીક શોર્ટ આપી 2 ચેકમાં સહીઓ પણ કરાવી લીધી!
  • પુછપરછ માટે બોલાવીને 2 દિવસ સુધી લોકઅપમાં ગોંધી રાખી માર માર્યો

જામનગરના વેપારીને પોતાની સામે નોંધાયેલા ગુનામાં પૂછપરછ માટે બોલાવી 2 દિવસ લોકઅપમાં રાખી માર મારી ઈલેકટ્રીક શોર્ટ આપી ફરિયાદીના નામના રૂા.4-4 લાખના 2 ચેક લખાવ્યાની અદાલતમાં ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરી સમન્સ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે. જામનગરમાં પ્રિન્સ મોબાઈલ અને ઈલેકટ્રોનિક્સ નામની દુકાન ચલાવતા ઈકબાલ ઈબ્રાહીમ ખીરા નામના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત માર્ચ મહિનામાં જામનગરના સોની વેપારી કિરીટ રાધનપુરાએ તેની સામે સિટી-એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, જે ફરિયાદ મુજબ ઈકબાલ તેના રૂા.8 લાખ ઓળવી ગયો હતો.

આ કેસમાં ઈકબાલને પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો અને સર્વેલન્સ સ્ટાફના ફોજદાર અને 3 પોલીસકર્મીઓએ તેને બેફામ માર માર્યો હતો અને 2 દિવસ સુધી લોકઅપમાં રાખી ઈલેકટ્રીક શોર્ટ પણ આપ્યા હતા અને 4-4 લાખના બે ચેકમાં બળજબરીપૂર્વક સહીઓ કરાવી લઈ લીધા હતા અને તે પછી રાત્રે ઘરે જવા દેવામાં આવ્યો હતો.

આ પછી તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતની તેને અરજી કરી હતી પરંતુ તેનો કોઈ જવાબ આવ્યો ન હતો. જે બાદ તેણે ચીફ જયુડી. મેજી.ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા કોર્ટે તાત્કાલિક પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઇ મોઢવાડીયા, પોલીસ કોન્સ્ટેબલ સાજીદ બેલીમ, નરેન્દ્રસિંહ તથા વેપારી કિરીટ રાધનપુરા સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી સમન્સ કાઢવા હુકમ કરતા સારી એવી ચકચાર જાગી છે.

અન્ય સમાચારો પણ છે...