કોરોના અપડેટ:જામનગરમાં કોરોના બેવડી સદી ભણી, શહેરમાં વધુ 147 પોઝિટિવ

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર ગ્રામ્યમાં પણ 46 કેસ, ઉત્તરાયણ પૂર્વે જ કોરોના વિસ્ફોટથી તંત્રમાં દોડધામ
  • દ્વારકામાં જ વધુ 16, ભાણવડમાં 9 કેસ,10 દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ અપાયા

જામનગર શહેર સાથે ગ્રામ્યમાં પણ કોરોનાનો કહેર યથાવત રહેતા ગુરૂવારે 193 પોઝીટીવ કેસ સામે આવ્યા હતા જેમાં શહેરમાં વધુ 147 અને ગ્રામ્યમાં 46 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.ઉતરાયણની પુર્વ સંધ્યાએ જ કોરોના વિસ્ફોટ થતા હડકંપ મચી ગયો છે.

જામનગર શહેર અને જિલ્લામાં લગભગ સપ્તાહથી કોરોનાના કેસ ક્રમશ: વધી રહયા છે જેમાં શહેર વિસ્તારમાં ગુરૂવારે વધુ 147 લોકો પોઝીટીવ આવ્યા હતા.માત્ર જામનગર શહેરમાં જ કોરોના કેસોએ શતક વટાવ્યુ હતુ જેના પગલે મહાપાલિકાના આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી.બીજી બાજુ મકર સંક્રાતિની પુર્વ સંધ્યાએ જ કોરોના વિસ્ફોટના પગલે કોવિડ ગાઇડલાઇનનુ પાલન અનિવાર્ય બની રહયુ છે. શહેરના 31 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ અપાયા હતા.

બીજી બાજુ જામનગર ગ્રામ્યમાં પણ કોરોનાનો રાફોડો ફાટયો છે જેમાં એકજ દિવસમાં વધુ 46 કેસ નોંધાયા છે.જામનગર તાલુકામાં 22, કાલાવડ તાલુકામાં 19, ધ્રોલ તાલુકામાં 01 ઉપરાંત લાલપુર પંથકમાં 04 કેસ નોંધાયા છે.જયારે ગ્રામ્યમાં પણ ત્રણ દર્દી સાજા થતા તેઓને રજા અપાઇ હતી.

જામનગર શહેર-જિલ્લામાં જાન્યુઆરીના પ્રારંભ સાથે જ કોરોનાના કેસોમાં ક્રમશ: વધારાે જોવા મળી રહયો છે, જેના પગલે આરોગ્ય તંત્ર દ્વારા ટેસ્ટિંગ કાર્યવાહી વેગવંતી બનાવાઇ છે, સાથો-સાથ રસીકરણ વધારવામાં આવી રહ્યું છે. જામનગર શહેરમાં ગુરૂવારે 3792 લોકોનું રસીકરણ થયું હતું, જયારે જામનગર ગ્રામ્યમાં 8941 લોકોનું રસીકરણ કરાયું હતું. કોરોનાના વધતા જતા કેસોના પગલે શહેર-જિલ્લામાં હડકંપ મચી ગયો છે, જયારે તંત્ર પણ દોડતું થયું છે. ખાસ કરીને કોવિડ ગાઇડલાઇનની કડક અમલવારી સાથે રાત્રી કફર્યુ ચુસ્ત બનાવાયું છે.

દ્વારકા જિલ્લામાં આંશિક રાહત, વધુ 28 કેસ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુધવારે કોરોનાએ અર્ધ શતક વટાવ્યુ હતુ જે બાદ ગુરૂવારે વધુ 28 કેસ નોંધાયા છે.જોકે,પોઝિટીવ કેસ ઘટતા લોકોએ આંશિક રાહતનો અહેસાસ કર્યો છે.બીજી બાજુ દશ દર્દી સ્વસ્થ થતા તેઓને ડીસ્ચાર્જ અપાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના પુનરાગમન બાદ બુધવારે કોરોના કેસોએ અર્ધ શતક વટાવ્યુ હતુ.જેના પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.ગુરૂવારે જિલ્લાના ચાર તાલુકામાં આરોગ્ય તંત્રની જુદી જુદી ટીમો દ્વારા 1543 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા.જેમાં ભાણવડમાં 273, દ્વારકામાં 645, કલ્યાણપુરમાં 288 અને ખંભાળિયામાં 337 લોકોના પરીક્ષણ કરાવામાં આવ્યા હતા.જે પૈકી દ્વારકા તાલુકામાં વધુ 16 કેસ, ભાણવડમાં 09 અને ખંભાળિયામાં 03 કેસ સામે આવ્યા હતા. દેવભૂમિ જિલ્લામાં 10 દર્દીની તબીયત સ્વસ્થ થતા તેઓને રજા અપાઇ હતી. દેવભૂમિ જિલ્લામાં કોરોનાના સંક્રમણને ધ્યાને લઇ તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇનના પાલન માટે કડક કાર્યવાહી કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...