જામનગરમાં કોરોના સંક્રમણ જેટ ગતિએ વધતા શહેરમાં બસ અને રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિત 40 સ્થળો પર કોરોના ટેસ્ટ કરવા કમિશ્નરે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથેની મીટીંગમાં સૂચના આપી છે.
શહેરમાં કોરોનના કેસમાં ભયજનક વધારો થતાં સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે મનપાના કમિશ્નર વિજય ખરાડીએ આરોગ્ય શાખાના તબીબો અને અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. જેમાં શહેરમાં 22 ધન્વતરી રથ અને 2 સંજીવની રથ ઉપરાંત શહેરમાં જયાં વ્યકિતઓની અવરજવર વધુ રહેતી હોય તે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપરાંત બજાર વિસ્તારો સહિત 16 પોઇન્ટ નકકી કરી કુલ 40 સ્થળો પર કોરોના ટેસ્ટ કરવા સૂચના આપી છે.
24 કલાક ટેલી મેડીસીન, 1100 નંબર હેલ્પ લાઇન
રાજય સરકાર દ્વારા 24 કલાક ટેલી મેડીસીન સુવિધા અને 1100 નંબર હેલ્પ લાઇન કાર્યન્વિત કરવામાં આવી છે. જેમાં નિષ્ણાંત તબીબો, એમ.ડી.ફીઝીશિયન, સાયકયાટ્રીસ, એમબીબીએસ તબીબો પાસેથી ખાસ માર્ગદર્શન મેળવી શકાશે. તદઉપરાંત કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણ તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તુરંત હેલ્પ લાઇન નં.104 પર કોલ કરી સારવાર અને નિદાન અંગેનું માર્ગદર્શન મેળવી શકાશે.
જામનગરની કોલેજ અને જોડિયાની શાળામાં કોરોનાનો કેસ નોંધાયો
જામનગર શહેર-જિલ્લાની શાળા-કોલેજોમાં પણ કોરોના એ પગપેસારો કર્યો છે. જામનગરની કલ્યાણ પોલીટેકનિક કોલેજમાં એક વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને શંકાસ્પદ ગણાવાયા છે. ઉપરાંત જોડિયાની એક શાળામાંથી પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેથી શાળા-કોલેજ ને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પાંચ દિવસમાં લેવાયેલા 1000 થી વધુ સેમ્પલમાંથી એક પણ પોઝિટિવ નહીં
જામનગર શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં ભરાતી ગુજરી બજાર અને શાકમાર્કેટમાં મંગળવારે મહાનગરપાલિકા દ્વારા કોરોના પરીક્ષણ માટેની પ્રક્રિયા અંતર્ગત 175 થી વધુ વિક્રેતાઓ કોવિડ સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલાયા છે. ચાર દિવસ દરમિયાન એક હજારથી વધુ સેમ્પલો લેવાયા છે, જોકે હજુ સુધી કોઈ પોઝિટિવ રિપોર્ટ મળ્યા નથી. પોઝિટિવ રિપોર્ટનો રેસીયો ઓછો રહેતા આરોગ્ય વિભાગ સહિતના સંબંધિત વિભાગોએ હાશકારાનો અનુભવ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.