જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોના પગપેસારો કરતો જાય છે. જામનગરના શહેરી વિસ્તારમાં બે દિવસ પહેલા બે પોઝિટિવ કેસ તો શનિવારે ત્રણ સહિત પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં વધુ એક કેસનો ઉમેરો થયો છે. જો કે કોરોના ગ્રસ્ત દર્દી ને હોમ આઇશોલેશન માં રાખવામાં આવ્યા છે. તદઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે એકીસાથે કોરોના ના ચાર પોઝિટિવ કેસ નોંધાતાં ભારે હડકંપ મચી ગયો છે.
બેડ ગામે રહેતા અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા શ્રમિક યુવાનનો કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યો હતો. જો કે તાવ સહિતના અન્ય કોઈ લક્ષણો જોવા મળ્યા નથી અને તેને હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા બેડ વિસ્તારમાં 20 ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને આસપાસના વિસ્તારના સૅમ્પલો લેવામાં આવ્યા છે. જો કે અન્ય કોઈ વ્યક્તિના કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા નથી.
ઉપરાંત મોટી ખાવડી સ્થિત એક ખાનગી કંપનીની ટાઉનશીપમાં એકીસાથે કોરોના ના ત્રણ કેસ જોવા મળ્યા છે. બરોડા થી મોટી ખાવડી આવેલા 38 વર્ષીય એક પુરૂષ અને તેના 14 અને 12 વર્ષીય પુત્ર કે જે ત્રણેયના કોરોના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેઓનો પોઝીટીવ રિપોર્ટ મળ્યો છે. જો કે આ પરિવારના મહિલા નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
હાલમાં પિતા-પુત્રોને હોમ આઇશોલેશન માં રાખવામાં આવ્યા છે. જેઓ બરોડા ગયા હતા, અને બરોડામાં તેઓનો ટેસ્ટ કરાયો હતો. જેઓ જામનગર આવ્યા પછી પોઝીટીવ રિપોર્ટ મળ્યો છે. તેઓના સંપર્ક માં આવેલા વ્યક્તિઓના કોવિડ ટેસ્ટની કાર્યવાહી ચાલી રહી છે. જામનગર શહેર અને જિલ્લામાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હોવાથી મહાનગર પાલિકા તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. કેસ વધતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.