જામનગર શહેરમાં કોરોના ઘાતક બન્યો છે, જેમાં આજે બુધવારે કોરોનાની બીમારીમાં સપડાયેલા એક 30 વર્ષીય યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. જેથી કોરોનાના મામલે ભયનો માહોલ સર્જાયો છે.
જામનગર શહેરમાં ગઇકાલે મંગળવારે કોરોનાના 82 જેટલા કેસ નોંધાયા છે. સાથે સાથે કોરોનાના ભરડામાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા 30 વર્ષીય યુવાનનું મૃત્યુ નીપજયું હતું. જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતા પહેલાં તેનો કોવિડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી કોરોનાની ગાઈડલાઈન અનુસાર તેની અંતિમવિધિ કરવામાં આવી રહી છે.
મૃતક યુવાન આજથી એક સપ્તાહ પહેલાં શરદી-ઉધરસની તકલીફ હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં દવા લેવા માટે આવ્યો હતો, અને દવા લીધા પછી ઘરે આરામ કરતો હતો. જે દરમિયાન આજે બુધવારે સવારે 9 વાગ્યા સુધી ઉઠ્યો ન હોવાથી તેની માતા અને ભાઈએ તેને ઉઠાડતાં તે બેશુદ્ધ અવસ્થામાં હતો. જેથી તેને તાત્કાલિક અસરથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
યુવકના મૃત્યુ અંગે જી.જી.હોસ્પિટલના પોલીસ સ્ટાફ દ્વારા કારણ પૂછવામાં આવતાં તેના પરિવારજનોએ તાવ-શરદીની બીમારી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેનો કોરોના રિપોર્ટ કરાવ્યા પછી પોસ્ટમોર્ટમ કરાવવાનું નક્કી કરાયું હતું. તેની ડેડબોડીને હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવી હતી. દરમિયાન મોડેથી તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો હોવાથી તેનું કોરોનાની બીમારીમાં મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સમગ્ર મામલે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.