ભાસ્કર એક્સકલુઝિવ:જામનગર મહાનગરપાલિકાને પ્રદર્શન ગ્રાઉન્ડ વાપરવા પ્રશાસનની મંજૂરી જરૂરી ન લાગતા વિવાદના મંડાણ

જામનગર2 વર્ષ પહેલાલેખક: પારસ સાહોલિયા
  • કૉપી લિંક
  • પ્રદર્શન ગ્રાઉન્ડમાં વૃક્ષનો કચરો નાખવામાં આવ્યો હોય બે વખત આ જથ્થામાં આગ લાગી હોવા છતાં હજુ ઉપડયો નથી
  • વાવાઝોડા સાથે વરસાદના કારણે જામનગર શહેરમાં 200 થી વધુ વૃક્ષ પડી જતાં ડાળીઓ, પાંદડા પ્રદર્શન ગ્રાઉન્ડમા મનપાએ એકત્ર કર્યા હતા

જામનગરમાં ગત 17 જુલાઇમાં વાવાઝોડા સાથે વરસાદના કારણે શહેરમાં 200 થી વધુ વૃક્ષો પડી ગયા હતાં. આથી મહાનગરપાલિકાએ આ વૃક્ષના પાંદડા, ડાળીઓ સહિતનો કચરો પ્રદર્શન ગ્રાઉન્ડમાં એકત્ર કરી તેના લાકડા સ્મશાન ગૃહમાં મોકલ્યા હતાં.

પરંતુ વૃક્ષનો કચરો ઉપાડવામાં ન આવતા બે વખત આગ લાગી ચૂકી છે. આટલું જ નહીં પ્રદર્શન ગ્રાઉન્ડ કલેકટર કચેરી હસ્તક હોય તેના ઉપયોગ માટે પ્રાંત અધિકારી કચેરીની મંજૂરી જરૂરી છે. પરંતુ મહાપાલિકાને મંજૂરી લેવી જરૂર ન લાગતા વિવાદની શકયતા નકારી શકાતી નથી.

કોર્પોરેશન કંઇક કહે છે અને પ્રશાસન જુદુ કહે છે...
વહીવટીતંત્રની મંજૂરી છે, કામચલાઉ વ્યવસ્થા છે કાયમી નહીં

ગત તા.17 જૂને વાવાઝોડા સાથે વરસાદ આવ્યા બાદ શહેરમાં ઘણાં વૃક્ષો પડી ગયા હોવાથી આ વૃક્ષની ડાળીઓ, કચરો પ્રદર્શન ગ્રાઉન્ડમાં એકઠો કરવાનો વહીવટીતંત્રના અધિકારીઓ સાથેની મીટીંગમાં નિર્ણય લેવાયો હોય વહીવટીતંત્રની મંજૂરી છે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં વૃક્ષનો કચરો નાખવાની વ્યવસ્થા કામચલાઉ છે, કાયમી નથી.> એ.કે.વસ્તાણી, નાયબ કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા.

પ્રાંત અધિકારી કચેરીમાંથી મનપા દ્વારા મંજૂરી લેવામાં આવી નથી
શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ જિલ્લા કલેકટર કચેરી હસ્તક છે. આથી તેમાં વૃક્ષનો કચરો નાખવા માટે મહાનગરપાલિકાએ શહેરની પ્રાંત અધિકારી કચેરીમાંથી મંજૂરી લેવાની હોય છે. પરંતુ મહાપાલિકા દ્વારા મંજૂરી લેવાઇ નથી. કારણ કે, પ્રાંત કચેરીમાંથી આ પ્રકારનો કોઇ અભિપ્રાય મળ્યો નથી.> એ.પી.વ્યાસ, શહેર મામલતદાર, જામનગર.

જવાબદારીની પણ સામસામે ફેંકાફેકી
ફ્લડ કન્ટ્રોલ રૂમ દ્વારા કચરો નખાયો છે

પ્રદર્શન ગ્રાઉન્ડમાં વૃક્ષનો કચરો નાખવાની કામગીરી સોલીડ વેસ્ટ શાખા દ્વારા કરવામાં આવી નથી પરંતુ ફ્લડ કન્ટ્રોલ રૂમ આ કામગીરી કરાઇ છે. > દિપક શીંગાળા, નાયબ ઇજનેર, સોલીડ વેસ્ટ શાખા, જામ્યુકો.

કચરો સોલીડ વેસ્ટ વિભાગે નાખ્યો છે
જામ્યુકોની ગાર્ડન શાખા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં વૃક્ષનો કચરો નાખવામાં આવ્યો નથી. પરંતુ પ્રદર્શન ગ્રાઉન્ડમાં વૃક્ષનો કચરો નાખવાની કામગીરી સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી છે.> હરેશ વાણીયા, જુનિયર ઇજનેર, જામ્યુકો

20 ઓગષ્ટે ગ્રાઉન્ડ ભાડે આપવાનું છે પણ કચરો યથાવત
પ્રદર્શન ગ્રાઉન્ડ જિલ્લા કલેકટર કચેરી હસ્તક હોય આગામી 20 ઓગષ્ટે ભાડે આપવા માટે અરજી આવી છે. પરંતુ પ્રદર્શન ગ્રાઉન્ડમાં વૃક્ષનો કચરો મોટા પ્રમાણમાં પડયો હોય ગ્રાઉન્ડ ભાડે આપવું કેમ તે અંગે તંત્ર ભારે મૂંઝવણ અનુભવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...