હાલારની વિધાનસભાની 7 બેઠકની ચૂંટણીમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉતર અને દક્ષિણ, ખંભાળિયા, દ્વારકા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. જામજોધપુર બેઠક પર સાવરણાએ ભાજપ અને પંજાને સાફ કરી નાખ્યો છે. ગત ચૂંટણીની સરખામણીએ 4 બેઠકનું નુકસાન થતાં કોંગ્રેસ બેહાલ બની છે. ભાજપને 2 બેઠકનો ફાયદો થતાં સ્થાન વધુ મજબૂત બન્યું છે. 1 બેઠક આમ આદમી પાર્ટીને મળતા જામનગરમાં આપનો ઉદય થયો છે.
હાલારની 7 બેઠકની ચૂંટણીના પરિણામ ગુરૂવારે જાહેર થયા હતાં. 7માંથી જામનગર ઉતર અને ખંભાળિયા બેઠક પર આપના ઉમેદવાર પ્રથમ રાઉન્ડમાં આગળ હતાં. જામજોધપુર બેઠક પર ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે કસોકસીની લડાઇ જોવા મળી હતી. જયારે કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર દક્ષિણ, દ્વારકા બેઠક પર પ્રથમ રાઉન્ડથી ભાજપની સરસાઇ રહી હતી.
પરંતુ 7 બેઠકમાંથી 6 બેઠકમાં ત્રિપાંખિયા જંગથી મતના વિભાજનના કારણે, 5 બેઠક પર આપના ઉમેદવાર, 1 બેઠક પર આપ અને અપક્ષ ધારણા કરતા વધુ મત લઇ જતાં તેનો સીધો ફાયદો ભાજપને થયો હતો. આથી 7માંથી કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉતર-દક્ષિણ, ખંભાળિયા, દ્વારકા બેઠક પર કમળ ખીલ્યું હતું.
રાજ્યમાં હાઈપ્રોફાઈલ બનેલી હાલારની 2 બેઠકનું તલસ્પર્શી વિશ્લેષણ
જામનગર : રાજ્યભરમાં સૌથી વધુ હાઇપ્રોફાઇલ બનેલી બેઠકોમાં હાલારની ખંભાળિયા જામનગર ઉત્તરની બેઠકનો સમાવેશ થતો હતો. કારણ કે, ખંભાળિયાથી આપના મુખ્યમંત્રીના ચહેરા ઈસુદાન ગઢવી લડી રહયા હતાં જયારે જામનગર ઉત્તરમાંથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ભાજપે મેદાનમાં ઉતાર્યા હતાં. આ બંને બેઠકોમાં રિવાબાની જીત અને ઈસુદાનની હાર પાછળ કયાં પરીબળો કામ કરી ગયા તેનું વિશ્લેષણ કરીએ.
રિવાબા કેમ જીત્યા ? હકુભાને ચૂંટણી ઈન્ચાર્જ બનાવાતા ચિત્ર ફરી ગયું
જામનગર ઉત્તરની બેઠક પરથી 2 વખતના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાની ટિકિટ કપાતા આ બેઠક ભાજપને ગૂમાવવી પડે તેવી ભીતિ સેવાતી હતી. આથી પાર્ટીએ રાતોરાત ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું હતું અને ખુદ હકુભાને આ સીટના ઈન્ચાર્જ બનાવીને જીતની જવાબદારી સોંપી હતી. ગુરૂવારે જાહેર થયેલા પરિણામોમાં અપેક્ષા મુજબ જ રિવાબાએ લાંબી માર્જીનથી પોતાના નજીકના પ્રતિસ્પર્ધીઓને હાર આપી હતી. આથી તમામ ચર્ચાઓનો આખરે અંત આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, આ બેઠક પર રાજ્યભરના લોકોની નજર હતી.
ઈસુદાન કેમ હાર્યા ? ઓછા સંપર્કો અને આયાતીનું લેબલ
ખંભાળિયા બેઠક પર આપના મુખ્યમંત્રીપદના ચહેરા એવા ઈસુદાન ગઢવી લડી રહ્યા હોવાથી રાજ્યભરના લોકોની નજર આ બેઠક પર હતી. ઈસુદાન ગઢવીની હાર માટે તેના સ્થાનિક કક્ષાના ઓછા સંપર્કો તેમજ કાર્યકરોની ખેંચ કારણભૂત માનવામાં આવી રહ્યા છે. જ્યારે ભાજપના કાર્યકરોની ફોજ મોટી રહી હતી. બીજી બાજુ ઈસુદાનને આયાતી ઉમેદવાર તરીકે પણ ગણવામાં આવી રહ્યા હતા. દરમિયાન આજે જાહેર થયેલા પરિણામમાં ભાજપના પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરાએ મેદાન મારી લીધું છે. જ્યારે બીજા નંબરે રહેલા ઈસુદાન ગઢવીની 18,000 ઉપરાંતના મતોથી હાર થઈ છે. જ્યારે ત્રીજા નંબરે ચાલુ ધારાસભ્ય વિક્રમ માડમ રહ્યા હતાં.
કોંગ્રેસને પછાડી આમ આદમી પાર્ટી 4 બેઠક પર બીજા ક્રમે, 2 બેઠક પર ત્રીજા ક્રમે રહી
હાલારની વિધાનસભાની 7 બેઠક પર કોંગ્રેસનું નામું નંખાઇ ગયું છે. ફકત પરાજય નહીં મતદારોનો વિશ્વાસ કેળવવામાં પણ કોંગ્રેસ નબળી પડી છે. કારણ કે, 7 માંથી એક બેઠક આમ આદમી પાર્ટીએ કબ્જે કરી છે. જયારે ખંભાળિયા, જામનગર ગ્રામ્ય, કાલાવડ અને જામનગર ઉતર બેઠક પર આપના ઉમેદવાર મત મેળવવામાં બીજા ક્રમે રહ્યા છે તો દ્વારકા અને જામનગર દક્ષિણ બેઠક પર આપના ઉમેદવાર મત મેળવવામાં ત્રીજા ક્રમે રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.