મોંઘવારી મુદ્દે કોંગ્રેસ આક્રમક:જામનગરમાં કોંગ્રેસના બંધ એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો, ખંભાળિયામાં MLA વિક્રમ માડમની અટકાયત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જીજી હોસ્પિટલ નજીક વેપારીઓને બંધની અપીલ કરતા ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, જેને લઇને પોલીસે તમામની અટકાયત કરી હતી. આજે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધના એલાનને લઈને શહેર કોંગ્રેસ દ્વારા સવારથી જ શહેરમાં ચાંદી બજાર, દરબારગઢ હવાઈ ચોક, જી.જી હોસ્પિટલ, સેન્ટ્રલ બેન્ક સહિતના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા બંધ કરવા અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમજ પોલીસે તમામની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ ગયા હતા.

સિક્કા બજાર બંધ કરાવાયું
કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને પગલે જામજોધપુરનું બજાર સવારથી જ સજ્જડ બંધ રહી તમામ નાના-મોટા વેપારી અને દુકાનો પણ બંધ રહી સ્થાનિક કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ કાલરીયા દ્વારા વેપારીઓને બંધ પાળવા કરેલી અપીલનું સમર્થન મળ્યુ હતું. જામનગર જિલ્લામાં સિક્કા બજાર બંધ કરાવાયું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણ કુંભારવાડીયાએ વેપાર-ધંધો બંધ કરાવવાની અપીલ કરતાં વેપારીઓ જોડાયા હતા. બંધ દરમિયાન પ્રમુખ જીવણ કુંભારવાડીયાની અને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના વાઇસ ચેરમેન કરણસિંહ જાડેજા સહિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

વેપારીઓનું સમર્થન મળ્યું
આજે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધના એલાનને સમર્થનમાં બર્ધન ચોક, ચાંદી બજાર, રતનબાઇ મસ્જિદ સર્કલ, બેડીનાકા પાસેનો વિસ્તાર, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક વિસ્તારના તમામ વેપારીઓ દ્વારા કોંગ્રેસના બંધના એલાનને સમર્થન અપાયું હતું અને સવારથી જ સૌ લોકોએ પોતાના વેપાર ધંધા બંધ કર્યા હતા.

કાર્યકરોની પોલીસે અટકાયત કરી
કોંગ્રેસ આગેવાનોમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણ કુંભારવાડીયા, રાજેન્દ્ર બેસનેજી, વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફભાઈ, પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણાની અટકાયત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...