જામનગરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એનડીઆરએફની ટીમને સાથે રાખીને પુર રાહત સમયે તેમજ કુદરતી આપત્તિ સમયે કઈ રીતે જાનમાલની સુરક્ષા કરી શકાય, તેની તાલીમ આપવા માટેના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે રવિવારે સવારે જામનગરના તન્ના હોલમાં હોમગાર્ડના જવાનો સાથેનો નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર જિલ્લા હોમગાર્ડના 350 જેટલા જવાનો જોડાયા હતાં અને તેઓને એનડીઆરએફની ટીમ દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન કરીને વિશેષ તાલીમ આપવામાં આવી હતી.
જામનગરના જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી, તેમજ અધિક કલેકટર મિતેશકુમાર પંડ્યાના માર્ગદર્શન હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડી.પી.ઓ. માનસી સિંગ, જામનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદાર દક્ષાબેન વગેરેના માર્ગદર્શન હેઠળ એનડીઆરએફની ટીમ સાથે નો નિદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.તાલિમ સમયે હોમગાર્ડના કમાંડિંગ ઓફિસર એસ.જે. ભીંડી,ઉપરાંત હોમગાર્ડના ગિરીશ સરવૈયા, એન.ડી.આર.એફ. ના ઇન્સ્પેકટર રાજેશ મહિલાવત, સબ ઇન્સ્પેકટર વૈદપ્રકાશ યાદવ, રાજદીપસિંહ વાળા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને કુદરતી આપત્તિ સમયે જાનમાલનું રક્ષણ કરવા તેમજ લોકોને બચાવી લઈ સમયસર સુરક્ષિત સ્થળે અથવા હોસ્પિટલ સુધી પહોંચાડવા વગેરેનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું હતું, અને હોમગાર્ડના જવાનોને તાલીમબદ્ધ કર્યા હતા.
આ તકે કુદરતી અને માનવ સર્જિત આફતમાં કઈ રીતે કામગીરી કરવી તેનું જુદા જુદા માધ્યમોથી તેમજ ઘરેલુ ઉપયોગમાં આવતી હોય તેવી પાણીની બોટલો, ઓઇલના ખાલી ડબલા, સૂકા નારિયેળ, પાણીની ગાગર, લાકડાની પટ્ટીઓ જેવા ઉપકરણો વડે લાઇવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું, સાથો સાથ એનડીઆરએફ ની ટીમ કુદરતી આપત્તિ સમયે કયા સાધનોની મદદથી બચાવ કાર્યને ઝડપી હાથ ધરી શકે છે, તે સાધનોનું પણ સ્થળ પર નિદર્શન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.