વિજય હરિયાણી
જામનગર શહેરના એસટી ડેપોમાં દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરોનું આગમન રહેતું હોય છે, ત્યારે મુસાફરોને સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ જોવા મળી રહ્યું છે તેનું વધુ એક ચિત્ર વધુ જોવા મળ્યું છે. જેમાં ડેપોમાં સફાઇના અભાવના લીધે જયાં જુઓ ત્યાં કચરાના ગંજ જોવા મળતા મુસાફરોમાં રોષની લાગણી જન્મી છે. આવા કચરાના ગંજ વચ્ચે નાછૂટકે મુસાફરોને બેસવાની ફરજ પડી રહી છે તો તંત્રના ઉચ્ચ અધિકારીઓ આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
આખા ડેપોમાં સફાઇનો અભાવ જોવા મળ્યો
જામનગર એસટી ડેપોમાં જામનગર સહિત ગ્રામ્યના લોકો મોટી સંખ્યામાં ડેપોમાં બીજા શહેરમાં આવાગમન કરવા માટે આવતા હોય છે, પરંતુ મુસાફરોને જાણે સારી સુવિધા દેવામાં તંત્ર હંમેશા નિષ્ફળ જોવા મળતું હોય છે તેમ વધુ એક વખત છેલ્લા ઘણા સમયથી ડેપોની સાફ-સફાઇનો કોન્ટ્રાકટર પુરો થતાં રોજિંદી સાફ-સફાઇ કરવા ન આવતા આખા ડેપોમાં સફાઇનો અભાવ જોવા મળતા મુસાફરોને કચરાના ગંજ વચ્ચે બેસવાની ફરજ પડતી હોવાથી તંત્રના જાંબાઝ અધિકારીઓ સામે ફિટકારની લાગણી જન્મી છે.
જામનગર ડેપો દ્વારકા, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા સહિતના ડેપોનું વડું મથક હોવાથી આ ડેપોમાં મોટી સંખ્યામાં મુસાફરાનું આવાગમન રહેતું હોય છે ત્યારે જામનગર ડેપોની હાલત બદતર જોવા મળતા મુસાફરોમાં ભારે રોષની લાગણી જન્મી છે.
સફાઇનો કોન્ટ્રાકટ પૂરો થઇ ગયો છે, સેન્ટ્રલ ઓફિસથી ટેન્ડરની પ્રક્રિયા શરૂ છે
માર્ચ-2022થી સાફ-સફાઇનો કોન્ટ્રાકટ પૂરો થઇ ગયો છે, જે અંગે સેન્ટ્રલ ઓફિસથી ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ત્યાંથી જેતે એજન્સીના ટેન્ડર પાસ થશે તે બાદ સાફ-સફાઇ રાબેતા મુજબ થઇ જશે. હાલ ડેપો મેનેજરને રોજમદાર માણસો રાખી એસટી ડેપોને સાફ-સફાઇ રોજીંદા કરવા સૂચના આપી દેવામાં આવી છે.> બી.સી. જાડેજા, વિભાગીય નિયામક, જામનગર.
ડેપોની તમામ કચરા પેટીઓ હાઉસફૂલ
ડેપોમાં સફાઇનો અભાવ હોવાથી આવતા જતાં મુસાફરો દ્વારા કચરા પેટીમાં કચરો ફેંકવામાં આવે છે પરંતુ કોઇ સફાઇ કર્મચારી ન હોવાથી આ કચરા પેટીઓ હાઉસફુલ થઇ જતાં ભારે દુર્ગંધ ફેલાઇ જવા પામે છે.
મુસાફરો માટે બેસવાની ખુશી પરંતુ નીચે કચરાના ગંજથી પડતી હાલાકી
જામનગર ડેપોમાં મુસાફરો માટે બેસવાની ખુરશીઓ રાખવામાં આવી છે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ આ ખુરશીઓ નીચે કચરાના ગંજ થઇ જતાં મુસાફરોને બેસવા ફરજીયાત આ ખુરશીનો સહારો લેવા પડે છે, જેમાં ખાસ કરીને વૃદ્ધોને આવા દુર્ગંધ મારતા કચરા વચ્ચે ખુરશીમાં બેસવાની ફરજ પડી હોવાથી લોકોમાં તંત્ર સામે રોષ ફાટી નિકળ્યો છે.
મહિલા-પુરૂષના શૌચાલયની હાલત બદતર
જામનગર ડેપોમાં સફાઇનો કોન્ટ્રાકટ પૂરો થઇ જતાં મહિલા અને પુરૂષોના શૌચાલયની હાલત બદતર બની ગઇ ેછે ત્યારે મહિલાઓ અને પુરૂષોને ના છૂટકે ગંદા પાણીમાંથી શૌચાલયમાં જવાની ફરજ પડતા ભારે કચવાટની લાગણી અનુભવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.