પુનઃ મતદાનની માગ:ભાણવડ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં મતદાન દરમિયાન EVM બગડ્યાની ફરિયાદ, 6 નંબરના કૉંગ્રેસના ઉમેદવારના નામ સામેનું બટન બંધ હોવાની ફરિયાદ

જામનગર18 દિવસ પહેલા

ભાણવડ નગરપાલિકાની ચૂંટણી માટે યોજાઈ રહેલા મતદાન દરમિયાન વોર્ડ નંબર 1માં EVM બગડ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. અહીં કૉંગ્રેસના 6 નંબરના ઉમેદવારના નામ સામે મત જ ના પડી રહ્યા હોવાની કૉંગ્રેસ દ્વારા ફરિયાદ કરવા્મા આવી હતી. બુથ પર 147 મત પડ્યા બાદ મશીન બદલવામા આવતા કૉંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો અને અહીં પુનઃ મતદાનની માગ કરી હતી. કૉંગ્રેસના મહિલા ઉમેદવારે ધરણા પર બેસી ન્યાયની માગ કરી હતી.

વોર્ડ નંબર 1માં ક્રમાંક નંબર 6નું બટન બગડ્યુંવોર્ડ નંબર1માં ક્રમાંક નંબર 6 પર કૉંગ્રેસના મહિલા ઉમેદવાર નયનાબેન ચૌહાણ છે. કૉંગ્રેસની ફરિયાદ છે કે, આ નામ સામે મતદારો મત આપવા ઈચ્છા હોવા છતા મત પડી રહ્યો નથી. ફરિયાદો બાદ મશીનની તપાસ કરાતા મત પડી રહ્યા ના હોવાથી મશીન બદલવામા આવ્યું હતું. જો કે, ત્યાં સુધીમાં 147 મત પડી ગયા હોય કૉંગ્રેસે વાંધો રજૂ કરી અહીં પુનઃ મતદાનની માગ કરી છે. ન્યાયની માગ સાથે મહિલા ઉમેદવારે ધરણા શરૂ કર્યા છે.

અધિકારી પર મિલિભગતનો આરોપખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે પ્રાંત અધિકારી સામે મિલિભગતનો આરોપ લગાવ્યો હતો. ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં અધિકારીઓ ભાજપને મદદ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. વિક્રમ માડમે કહ્યું હતું કે, EVMમાં ખામી હોવા અંગેની અનેક રજૂઆતો બાદ પણ તાત્કાલિક કાર્યવાહી કરવામા આવી ન હતી. આ બુથ પર ગત ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારની એક મતે હાર થઈ હતી. ત્યારે ધારાસભ્યએ કહ્યું હતું કે, 147 મત પડ્યા બાદ મશીન બદલવામા આવતા કૉંગ્રેસના ઉમેદવારને અન્યાય થાય તેમ છે. જેથી અહીં આવતીકાલે પુનઃ મતદાન યોજવામા આવે.

અન્ય સમાચારો પણ છે...