લાંચની ફરિયાદ:ખંભાળિયા ખાતે પૂર્વ વેરા નિરીક્ષકે અરજદાર પાસેથી એક હજાર રૂપિયાની લાંચ લીધાની ફરિયાદ નોંધાઈ

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જી.એસ.ટી. નંબર મેળવવા માટેની અરજીના અનુસંધાને લાંચ માંગી હતી
  • આરોપી વિરૂદ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે રાજ્ય વેરા નિરીક્ષક તરીકે ફરજ બજાવતા નિવૃત અધિકારીએ જીએસટી ઓફિસમાં અરજદાર પાસેથી રૂપિયા 1 હજારની લાંચ લીધી હતી. જેને લઈઆજે બુધવારે ACBએ પૂર્વ વેરા નિરીક્ષક સામે એક હજાર રૂપિયાની લાંચ લીધાની ફરિયાદ નોંધાવી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ જામખંભાળીયા ખાતે ઈલેકટ્રીક ફિટીંગ તથા રીપેરીંગનું કામ કરતા આસામીએ જે તે સમયે પોતાના ધંધા માટે જી.એસ.ટી. નંબર મેળવવા વેટ કચેરીમાં અરજી કરી હતી. તે અરજી અનુસંધાને સ્થળ વિઝીટ કરી એપ્રુવલ આપવા આરોપી મારખી રામભાઈ રાવલીયા, તત્કાલીન રાજય વેરા નિરીક્ષક (એસ.ટી.આઈ.)એ અરજદાર પાસે રૂપિયા 2 હજારની લાંચની માંગણી કરતા રકઝકના અંતે રૂપિયા 1500 આપવાનું નક્કી કર્યું હતું.

ત્યારબાદ બીજા દિવસે આરોપીએ પોતાની જીએસટી ઓફિસમાં અરજદાર પાસેથી રૂપિયા 1 હજારની લાંચ લીધી હતી. જેની અરજદાર દ્વારા પુરાવા સાથે અરજી કરવામાં આવતા અરજીની પ્રાથમિક તપાસના અંતે આ કામના આરોપીએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, પોતાનો અંગત આર્થીક લાભ મેળવવા ગુનાહિત ગેરવર્તણુંક આચરી, અરજદાર પાસેથી લાંચના રૂપિયા 1 હજાર સ્વીકારી હોવાનું ફલીત થયુ હતું. જેથી આરોપી વિરૂદ્ધ દેવભુમી દ્વારકા એ.સી.બી. પો.સ્ટે.માં લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.