જામનગર જિલ્લામાં આવેલી મહાકાય કંપની રિલાયન્સ સામે આંદોલન માટેની મંજૂરી કલેક્ટર તંત્ર દ્વારા આપવામાં આવી હોવાનો કાગળ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જે અંગે કલેક્ટર તંત્ર દ્વારા તપાસ કરતાં એ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. એ બાદ કલેક્ટર કચેરી દ્વારા અજાણ્યા શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર નજીક આવેલી મોટી ખાવડી સ્થિત રિલાયન્સ કંપની સામે તાજેતરમાં આંદોલન કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે કોઈ શખસ દ્વારા સોશિયલ મીડિયામાં આમંત્રણ આપતો પત્ર વાઇરલ કરવામાં આવ્યો હતો, જેમાં કલેક્ટર કચેરીનો લેટરપેડ અને કલેક્ટરની સહીવાળો પત્ર હતો. જોકે આ આંદોલન અંગે કલેક્ટર તંત્ર દ્વારા આવો કોઈ પત્ર કે મંજૂરી આપવામાં ન આવી હોવાનું ધ્યાને આવતાં કલેક્ટર તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસ કરી અજાણ્યા શખસો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
શું છે ઘટના ?
જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી જામનગરના નામે ગત તા.4-8-2021ના રોજ આમ આદમી પાર્ટીના લાલપુર તાલુકાના સંગઠનમંત્રી ફફલ કિરીટકુમાર ધરણાં કરવા માટેની મંજૂરી આપતો પત્ર સોશિયલ મીડિયામાં છવાઈ ગયો હતો. આ પત્રમાં કલેક્ટર કચેરીનો લેટરપેડ, રાઉન્ડ સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે આવી કોઈ પ્રક્રિયા થઈ ન હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.