તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરની કોવિડ હોસ્પિટલમાં યૌનશોષણ મામલો:અટેન્ડન્ટ્સ યુવતીઓની જાતીય સતામણી મામલે મહિલા સંગઠનો મેદાનમાં; CM, આરોગ્ય સચિવે તપાસના આદેશ આપ્યા

જામનગર3 મહિનો પહેલા
અટેન્ડન્ટ્સ યુવતીઓને મળીને સ્થિતિનો તાગ લીધો.
  • પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ત્રણ સભ્યની કમિટી રચવામાં આવી
  • તપાસ કમિટીએ મહિલા અટેન્ડન્ટ્સના નિવેદન લેવાની શરૂઆત કરી
  • 48 કલાકમાં કાર્યવાહી નહીં કરો તો જોવા જેવી થશે: મહિલા સંગઠનોની ચીમકી

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં અટેન્ડન્ટ્સ યુવતીઓનું શારીરીક શોષણ અને જાતીય સતામણી થતી હોવાનો સનસનીખેજ અહેવાલ બુધવારે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાંની સાથે જ રાજ્યભરમાં હડકંપ મચી ગયો છે અને પાટનગર ગાંધીનગર પણ ખળભળી ઊઠ્યું છે. બુધવારે સવારથી જ ખળભળી ઊઠેલી રાજ્ય સરકારે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ છોડી દીધા હતા અને મુખ્યમંત્રી તથા આરોગ્ય સચિવે પણ સવારમાં જ જામનગર જિલ્લા કલેકટર રવિશંકર શ્રીવાસ્તવ સાથે સીધી વાત કરતાં પ્રશાસન હરકતમાં આવી ગયું છે, સાથોસાથ જામનગર શહેરનાં મહિલા સંગઠનો પણ આ મામલે મેદાનમાં આવી ગયાં છે અને તેમણે વહીવટી તંત્રને બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે 48 કલાકમાં કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી નહીં કરો તો મહિલા સંગઠનો હાથ જાેડીને બેસી નહીં રહે.

જામનગર કલેકટર રવિશંકર.
જામનગર કલેકટર રવિશંકર.

અટેન્ડન્ટ્સ યુવતીઓને મળીને સ્થિતિનો તાગ લીધો
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં અટેન્ડન્ટ્સ યુવતીઓનાં થતાં યૌનશોષણ મામલે મહિલા સંગઠનો ડિલાઇટ ક્બલ, ડિવાઇન ક્લબ અને સંસ્કૃતિ ફાઉન્ડેશન તથા કોર્પોરેટરો પણ મેદાન આવ્યાં છે. તેમણે ચીમકી આપી છે કે 48 કલાકમાં નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારોને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરી તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવે. જો આમ નહીં કરાય તો 48 કલાક બાદ મહિલા સંસ્થાઓ દ્વાર અન્ય કાર્યવાહી આગળ વધારશે.

શું છે સમગ્ર મામલો?
કોરોનાની બીજી વેવ દરમિયાન જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બે હજાર કરતાં વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જેમની દેખરેખ માટે 500 કરતાં વધુ અટેન્ડન્ટ્સની નિમણૂક કરવામાં આવી હતી. આ અટેન્ડન્ટ્સ પૈકીની કેટલીક મહિલા અટેન્ડન્ટ્સ દ્વારા તેમના સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો કરાયા હતા. સુપરવાઈઝર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. જો મહિલા અટેન્ડન્ટ તૈયાર ના થાય તો તેને નોકરીમાંથી દૂર કરવામા આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો.

જામનગર સરકારી કોવિડ હોસ્પિટલ.
જામનગર સરકારી કોવિડ હોસ્પિટલ.

આક્ષેપોની ગંભીરતા સમજી સરકારે તપાસના આદેશ આપ્યા
મહિલા અટેન્ડન્ટ દ્વારા લગાવાયેલા ગંભીર આક્ષેપોના મામલાની મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા ગંભીર નોંધ લેવામા આવી હતી. મુખ્યમંત્રી દ્વારા આજે સવારે જામનગર કલેકટર સાથે ફોન પર વાતચીત કરી આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો.

પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તપાસ કમિટીની રચના
મુખ્યમંત્રીના આદેશ બાદ જામનગર કલેકટર દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને એક તપાસ કમિટીની રચના કરવામા આવી છે. આ કમિટીમાં પ્રાંત અધિકારી, એએસપી અને ડેન્ટલ કોલેજના ડીનનો સમાવેશ કરાયો છે. કમિટી દ્વારા હાલ મહિલા અટેન્ડન્ટ્સનાં નિવેદન લેવાની શરૂઆત કરવામાં આવી છે

અમારી અંગત જિંદગીમાં દખલ કરતા હતા, તેની સામે પગલાં લો: પીડિતા
​​​​​ જ્યારે કોવિડ હોસ્પિટલમાં જોડાયેલી હતી ત્યારે નાઇટમાં સુપરવાઇઝરો સહી કરવા આવે ત્યારે અમને રિલેશન રાખો, એમ કહી અમારી પર્સનલ લાઇફમાં ઇન્ટરફિયર કરતા. ફોન ચેક કરાતા, ગમે ત્યારે અમને ફોન કરતા. જે છોકરીઓ તેની વાત માનતી તેને સુપરવાઇઝરના હોદા પર રાખે અને મનફાવે તેમ કરી શકે. હાલમાં પણ ઘણી અટેન્ડન્ટ્સ તરીકે છોકરીઓ નોકરીઓ કરે છે. અમારો કોઇ વાંક ન હોવા છતાં અમને કાઢી મુકાયા છે. અમારી માગણી એટલી છે કે પગાર કરી દેવામાં આવે અને આ જે કોઇ કાંડ સુપરવાઇઝરો કરી રહ્યા છે તેમની સામે પગલાં લેવામાં આવે. સુપરવાઇઝર તો ઘણા છે, પણ તેમનાં નામ લેવાની અમને ના પાડવામાં આવી છે. - પીડિત યુવતી, પૂર્વ અટેન્ડન્ટ.

છોકરીઓનાં નિવેદનો લીધાં છે, હજુ લેવાશે, ત્યાર પછી કાર્યવાહી થશે
મુખ્યમંત્રીનો મારા પર ફોન આવ્યો અને આરોગ્ય કમિશનરનો પણ ફોન આવ્યો અને જે કંઇ છે એ તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ બાબતે અમે તાત્કાલિક એક કમિટીની ગઠન કર્યું છે, જેમાં પ્રાંત અધિકારી, એએસપી અને મેડિકલ કોલેજના ડીન રહેશે. આ લોકોએ સવારે પણ છોકરીઓનાં નિવેદન લીધા છે તેમજ બપોર પછી પણ નિવેદનો લેશે. જે અટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે તેમનાં નિવેદનો હજુ બાકી છે. આ બાબતે હકીકત જાણવામાં આવશે અને પછી કાર્યવાહી કરાશે. આ બાબતની ગંભીર નોંધ ગૃહમંત્રી દ્વારા પણ લેવાઈ છે. મંત્રીઓએ પણ તટસ્થ તપાસ થાય એવી સૂચના આપી છે.- રવિશંકર, કલેકટર, જામનગર.

અન્ય સમાચારો પણ છે...