જામનગરમા શહેરના ટાઉનહોલ ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વસહાય જૂથો માટેના સામૂહિક લોન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 328 સ્વસહાય જુથોને 334 લાખનાં ધીરાણના ચેક અને મંજુરીપત્રો તેમજ 9 ગ્રામ સંગઠનોને રૂ.67.50 લાખની ગ્રાન્ટના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ અનેક મહિલા ઉત્કર્ષની યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મુકાઇ છે. વડાપ્રધાને મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા NRLM યોજનાને વધુ સુદ્રઠ અને સરળ બનાવી અમલમાં મૂકી છે.મહિલા સશક્ત બનશે તો જ દેશ સશક્ત બનશે તેમ જણાવી સાંસદે ઉમેર્યું હતું કે, મહિલાઓને વ્યાજમુક્ત લોન આપી તેમના આર્થિક વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેની ફળશ્રુતિ સ્વરૂપે 4600 થી વધુ સખીમંડળો આજે જામનગર જિલ્લામાં કાર્યરત થયાં છે અને આ યોજનાનો લાભ લઈ પોતાના પરિવારોને મદદરૂપ થઈ રહ્યાં છે.સાથે સાથે ગર્વભેર પોતાના પરિવારનું નિર્વાહન કરી દેશના આર્થિક વિકાસમાં પણ સહભાગી બની રહ્યાં છે.
કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ પ્રાસંગિક ઉદબોધન કરી મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ સ્વનિર્ભર બનવા પ્રેરણા આપી હતી.જ્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર રાયજાદાએ મહેમાનોને આવકારી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંક સખી તેમજ બેંકર્સનું મહાનુભાવો હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું તેમજ જિલ્લાના વિવિધ ગામોમાંથી ઉપસ્થિત રહેલ સખીમંડળ તથા ગ્રામ સંગઠનોને ચેક તથા મંજૂરી પત્રો એનાયત કરાયા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીયભાઈ ચનીયારા, જિલ્લા વિકાસ અધિકારીમીહીર પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, ભરતભાઈ બોરસદીયા, તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબા જાડેજા, લાલપુર તાલુકા આગેવાન ધનાભાઇ, એસ.બી.આઇ.ના એ.જી.એમ. બલદેવભાઇ પટેલ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના એ.જી.એમ.અનુપ મહેતા તેમજ વિવિધ બેંકના મેનેજરઓ તથા બહોળી સંખ્યામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ઉપસ્થિત રહેલ સખી મંડળના બહેનો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.