જામનગરમાં શિયાળાની સીઝનને કારણે શરદી-ઉધરસનો વાયરલ રોગચાળો વકર્યો છે ત્યારે જી.જી.હોસ્પિટલમાં બાળકોની શરદી-ઉધરસની દવા ખલાસ થઇ જતાં અનેક સવાલ ઉઠયા છે. અઠવાડિયાથી દવાનો જથ્થો ન હોય ફરજીયાત બહારથી દવા લેવી પડતા બાળદર્દીઓના વાલીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. સરકારી હોસ્પિટલમાં છાશવારે સમસ્યાના કારણે દર્દીઓની પીડામાં ઘટાડાના બદલે વધારો થઇ રહ્યો છે. દવાનો જથ્થો ખાલી થઇ ગયો ત્યાં સુધી કોઇ પગલાં ન લેવાતા આશ્ચર્ય સર્જાયુ છે.
જામનગરમાં શિયાળાની ઋતુ સાથે જ શરદી-ઉધરસનો વાયરલ રોગચાળો વકર્યો છે. આથી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. જી.જી.હોસ્પિટલમાં શરદી-ઉધરસની ઓપીડી વધી છે. આ સ્થિતિમાં શરદી-ઉધરસમાં બાળકોને આપવામાં આવતી શીરપ અને દવાનો જથ્થો ખલાસ થઇ જતાં બાળદર્દીઓના વાલીઓમાં દેકારો બોલી ગયો છે. નવાઇની વાત તો એ છે કે, અઠવાડિયાથી બાળકોની દવાનો જથ્થો ખલાસ થઇ ગયો છે. જેના કારણે તબીબો દવા લખી લેતા બાળ દર્દીઓના વાલીઓને ફરજીયાત બહારથી દવા લેવાની ફરજ પડી રહી છે.
આથી લોકોમાં દેકારા સાથે ભારે રોષની લાગણી ફેલાઇ છે. નવાઇની વાત તો એ છે કે, સપ્તાહથી દવાનો જથ્થો ખલાસ થઇ ગયો હોય શું જી.જી.હોસ્પિટલના સતાધીશોને તેની જાણ ન હતી તે પણ તપાસનો વિષય બન્યો છે. જી.જી.હોસ્પિટલમાં છાશવારે મશીનની કે દવાની સમસ્યાના કારણે વિવાદમાં રહે છે. ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકારણ લાવવામાં કયું ગ્રહણ નડે છે તે સમજાતું નથી.
આ દવાનો જથ્થો હોસ્પિટલમાં ખલાસ થઇ ગયો
જી.જી. હોસ્પિટલમાં બાળકોની શરદી-ઉધરસની દવાનો જથ્થો સપ્તાહથી ખલાસ થઇ ગયાની ફરિયાદો દર્દીઓમાં ઉઠી છે. જેમાં લીવોસેટ્રીઝાઇન, સાલબ્યુટોમલ, ડીએમઆર સીરપ, ફોલીક એસીડ, સીપીટ્રોગેલ અને એમોકસીન 500-250 એમજીની ગોળીનો સમાવેશ થાય છે. જેના કારણે દર્દીઓને ફરજીયાત બહારથી દવા લેવાની ફરજ પડી રહી છે.
ત્રણ સીરપ આવ્યા, બાકીની દવા બે દિવસમાં આવી જશે
જી.જી.હોસ્પિટલમાં બાળકોને શરદી-ઉધરસમાં આપવામાં આવતા સાલ્વીટામલ, સીપીએમ અને ડીએમઆર શીરપનો જથ્થો સોમવારે આવી ગયો છે. જયારે બાકીની દવા કે જેમાં ટેબ્લેટનો સમાવેશ થાય છે તે આગામી બે-ત્રણ દિવસમાં આવી જશે. દવાના જથ્થો મંગાવાની પ્રોસેસ થઇ ચૂકી છે. - કમલેશ વિઠ્ઠલપરા, સીએમઓ સ્ટોર, જી.જી.હોસ્પિટલ, જામનગર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.