ઓખા નજીકના અરબી સમુદ્રના દરિયામાં ભારતીય અર્થતંત્રને આર્થિક નુકશાન પહોંચાડવાના ઈરાદે આચરવામાં આવેલી છેતરપિંડી અને અન્ય ઘટક પ્રવૃત્તિની કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખા મરીન પોલીસ દળમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સલાયાથી દુબઈ માટે રવાના થયેલું વહાણ અન્ય દેશોમાં પ્રવાસ કરી અન્ય ક્રૂ મેમ્બરોને પોતાની સાથે લઈ ભારત દેશને આર્થિક નુકસાન પહોંચાડવાના ઇરાદે બોગસ દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી તેમજ સેટેલાઇટ ફોનનો ડેટા ડિલીટ કરી પુરાવાનો નાશ કરવાના મુદ્દે શખ્સો સામે કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખા મરીન પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખાથી 57 નોટીકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં તાજેતરમાં એમ.એસ.વી. સફીના અલ હુસેની શૈલાની નામના માલવાહક જહાજને આંતરી લેવામાં આવ્યું હતું. આ વહાણની મુસાફરીના દસ્તાવેજો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં વહાણના માલિક સહિતના શખ્સોએ સલાયાથી દુબઇ જવા માટેની મંજૂરી મેળવી હતી. તેમ છતાં આ વાહન સલાયાથી દુબઈ જવાના બદલે ઓમાનના મસ્કત બંદર સહિત અન્ય દેશોનો પ્રવાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. તેમજ આ વહાણમાં અન્ય વહાણના ક્રૂ મેમ્બરને ગેરકાયદેસર રીતે સલાયા લઈ જતા હોવાનું સામે આવ્યું હતું.
ક્રૂ મેમ્બરનો પગાર સલાયાથી ભારતીય ચલણમાં કરી આરોપીઓએ ભારત દેશને આર્થિક નુકસાન પહોંચાડવાના હેતુથી, ખોટા દસ્તાવેજો બનાવી સાચા દસ્તાવેજો તરીકે ઉપયોગ કરી વહાણમાં ઉપયોગમાં લેવાતા સેટેલાઈટ ફોનનો ડેટા ડિલીટ કરી નાખી પુરાવાનો નાશ કર્યો હોવાની વિગતો સામે આવી હતી. જેને લઇને ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારી ગૌરવ ત્યાગી દ્વારા આ વહાણનો કબ્જો લઇ ઓખા બંદરે લઈ આવવામાં આવ્યું હતું. ત્યારબાદ વહાણના માલિક સહિતના ઇસમો સામે ઓખા મરીન પોલીસ દફતરમાં કાવતરા અને છેતરપિંડીની જુદી-જુદી કલમો મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસ દફ્તરમાં નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.