જામનગરના સાધના કોલોની ગેટ નંબર 1,2,3 માં વેપારીઓ દ્વારા શાંતિથી વેપાર થતો હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી દર મંગળવારે બહારથી આવતા અજાણ્યા વેપારીઓ તેમજ અમુક બિરાદરીના વેપારીઓ દ્વારા અડચણ ઊભી થાય છે. ટ્રાફિક સમસ્યા, ચોરી, પાકીટચોરી, વેપારીઓ સાથે મારામારી તેમજ ખોટા ત્રાસ આપી પૈસા પડાવવા જેવા બનાવો પણ વધ્યા છે અને ચોક્કસ ગેંગ સક્રિય થઈ ગઈ છે.
સાધના કોલોનીની ગુજરી બજારમાં આવા બનાવો અનેક વખત બનતા હોવાથી હિન્દુ સેના દ્વારા કલેક્ટર, ડીએસપી, કમિશનર, સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરાઈ છે કે, અહીંયા ટ્રાફિક તેમજ શાંતિ ડહોળાતી હોવાથી મંગળવારની ગુજરીબજાર કાયમી ધોરણે બંધ કરવામાં આવે અને આવી ગેંગ કે આવા તત્વોને સબક શીખવવા અને કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે. સાધના કોલોનીમાં ચાલતી મંગળવારની ગુજરી બજાર કાયમી માટે બંધ થાય તેવી હિન્દુ સેનાએ માંગણી કરી છે.
અને આવા બનાવોને અટકાવવામાં નહીં આવે તો આવતા સમયમાં ખૂન ખરાબા જેવા બનાવો બનશે જેની જવાબદારી સરકારની રહેશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે. આવી ગુજરી બજારો તેમજ વધુ પડતા વેપારીઓ ઉપર રોફ જમાવી પૈસા પડાવવા, બિલ્ડરો પાસે ખંડણી લેવી આવા બનાવો જામનગરમાં વધી રહ્યા છે. આવા બનાવોને રોકવામાં નહીં આવે તો હિન્દુ સેના જાતે પ્રતિકાર કરવા મેદાને ઉતરશે એમ પણ હિન્દુ સેના શહેર સંકલન પ્રમુખ મયુર ચંદને જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.