જામનગરમાં ચેક પરત ફરવાના 4 જુદા-જુદા કેસમાં અદાલતે આરોપીને 3 મહિનાથી 1 વર્ષની સજાનો હુકમ કર્યો છે. અદાલતે ચેક રીટર્ન કેસમાં આકરૂં વલણ અપનાવતા કોઇને ચેક આપતા પહેલા બેંક ખાતામાં બેલેન્સ છે કે નહીં તેની ચકાસણી કરવી જરૂરી બની છે. અદાલતે ચેક પરત કેસમાં સજા ફટકારી છે તેમાં સિક્કાના અનવર હુંદડા તથા સંજય પુનાભાઇ ડાંગર, અનસાર કાસમાણી, અશોક ટપુભાઇ બગીયાનો સમાવેશ થાય છે. ચેક રીટર્નના કેસમાં અદાલતે સજાની સાથે દંડનો પણ હુકમ કર્યો છે.
રૂપિયા 49,000નો ચેક પરત ફરતા 3 મહિનાની કેદ
જામનગર શહેરમાં રહેતા અશોક ઉર્ફે ચીનો ટપુભાઇ બગીયાએ પોતાના મિત્ર સાગર દીલીપભાઇ ગજરા પાસેથી રૂ.49000 ઉછીના લઇ પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. આ ચેક અપૂરતા ભંડોળના કારણે પરત ફરતા સાગરે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે ચાલી જતાં અદાલતે અશોકને ત્રણ મહિનાની સજા અને દંડનો હુકમ કર્યો છે.
એક વર્ષની સજા અને રૂપિયા 6 લાખનો દંડ ફટકારાયો
જામનગરમાં રહેતા પ્રિન્સ રાજુભાઇ ચૌહાણ અને સંજય પુનાભાઇ ડાંગર વચ્ચે ટ્રકનો વેચાણ કરાર થતાં સંજયે બાકી રહેતી રકમ રૂ.601786 નો ચેક આપ્યો હતો. જે અપૂરતા ભંડોળના કારણે પરત ફરતા પ્રિન્સે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે ચાલી જતાં અદાલતે આરોપી સંજયને એક વર્ષની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યો છે.
ઇંધણ પૂરાવી આપેલો ચેક પરત ફરતા એક વર્ષની કેદ
હાપા ખાતે આવેલા પ્રિયા પેટ્રોલીયમમાંથી ટ્રાન્સપોર્ટર અનસાર સીદીકભાઇ કાસમાણીએ વાહનોમાં ઇંધણ પૂરાવી રૂ.1.60 લાખનો ચેક આપ્યો હતો. જે અપૂરતા ભંડોળના કારણે પરત ફરતા પ્રિયા પેટ્રોલીયમે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે ચાલી જતાં અદાલતે આરોપી અનસારને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યો છે.
સાગરખેડૂને ત્રણ મહિનાની કેદ અને રૂપિયા 1 લાખનો દંડ
જામનગરમાં રહેતા ત્રિકમદાસ ભગવાનદાસ ચંચલાણી પાસેથી સિકકાના સાગરખેડૂ અનવર હારૂન હુંદડાએ એક લાખ ઉછીના લઇ આ નાણાંની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. જે અપૂરતા ભંડોળના કારણે પરત ફરતા ત્રિકમદાસે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે ચાલી જતાં અદાલતે આરોપી અનવરને તકસીરવાન ઠેરવી ત્રણ મહિનાની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.