જામજોધપુરની એક વિદ્યાર્થિનીએ ભવિષ્ય માટે તબીબી અભ્યાસ પસંદ કર્યા પછી તેણીને પિતરાઈ ફઈએ અમદાવાદ અભ્યાસ માટે આવી જવાનું અને ત્યાં મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાનું કહી રૂ. 5.10 લાખ પડાવી લેતા ચકચાર જાગી છે. વિદ્યાર્થિનીના પિતાએ છેતરપિંડી આચરવા અંગે પોતાની પિતરાઈ બહેન સહિત ત્રણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર શહેરમાં બાલવા રેલવે સ્ટેશન નજીક રહેતા રામજીભાઈ બાબુભાઈ ઝીંઝુવાડીયાની પુત્રીએ વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યા પછી આ વિદ્યાર્થિનીએ તબીબ બનવાના સપના સેવ્યા હતા. આ દરમિયાન બે વર્ષ પહેલા કોરોનાના કારણે લોકડાઉન લદાતા આ વિદ્યાર્થિનીએ ઓનલાઈન અભ્યાસ યથાવત રાખ્યો હતો. ત્યારે જ રામજીભાઈના જુનાગઢમાં રહેતા એક સંબંધીને ત્યાં સીમંત પ્રસંગ હતો.
તેમાં ભાગ લેવા માટે ઝીંઝુવાડીયા પરિવાર જુનાગઢ ગયો હતો જ્યાં રામજીભાઈને તેમની પિત્તરાઈ બહેન રેખા જયંતિભાઈ ઝીંઝુવાડીયાનો સંપર્ક થયો હતો. મૂળ જુનાગઢના મધુરમ સોસાયટીમાં રહેતા જયંતિભાઈ મોહનભાઈ ઝીંઝુવાડીયાની પુત્રી રેખા હાલમાં અમદાવાદના વટવામાં ત્રિવેણી પાર્કમાં વસવાટ કરે છે.
તેણે પોતાના કાકાના દીકરા રામજીભાઈને તેમની પુત્રીને તબીબી અભ્યાસ માટે અમદાવાદ મોકલવાની અને પોતાની ઓળખાણવાળી કોલેજમાં એડમિશન કરાવી દઈ આ વિદ્યાર્થિનીને અભ્યાસ પૂર્ણ થયે સારા પગારે સરકારી નોકરી પણ મળી જશે તેવા સપના પણ બતાવ્યા હતા. તેથી પિતરાઈ બહેનની વાતોમાં આવી ગયેલા રામજીભાઈએ પોતાની પુત્રીને અમદાવાદ જવા માટે તૈયાર કરી હતી.
તે પછી રેખાબેને અમદાવાદની મેન્ટોસ પેરામેડિકલ કોમ્યુનિટી કોલેજમાં એડમિશન અપાવી દઉં છું તેમ કહી ડોનેશન માટે રૂ.5.70 લાખ તેમજ એડમિશન ફોર્મના રૂ.10 હજાર અલગથી માગ્યા હતા. પુત્રીના બે વર્ષના અભ્યાસ માટે પિતા રામજીભાઈએ તે રકમ પોતાની પિતરાઈ બહેનના કહેવાથી આપી દીધી હતી.
તે પછી આ વિદ્યાર્થિનીનો કહેવાતો અભ્યાસ શરૂ કરાવાયો હતો. પરંતુ ફઇ રેખાબેને કોલેજના બદલે વિધાર્થીનીને ટયુશનમાં પ્રવેશ અપાવ્યો હોવાનું ખૂલતા રામજીભાઈએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં રેખાબેન, જયંતિભાઈ મોહનભાઈ તેમજ વિશાલ જયંતિભાઈ ઝીંઝુવાડીયા સામે ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં કોલજ નહીં, પણ ટયુશન કલાસમાં અભ્યાસથી ભાંડો ફૂટયો
વિદ્યાર્થિનીને પોતાના ઘરે રાખવાનું કહેનાર ફઈ રેખાબેને જે સ્થળે અભ્યાસ માટે અપડાઉન શરૃ કરાવ્યું હતું તે કોઈ કોલેજ નહીં પરંતુ બે કલાક માટે ચાલતો ટ્યૂશન ક્લાસ હોવાનું આ વિદ્યાર્થિનીના ધ્યાનમાં આવી ગયું હતું અને તેણીએ આ બાબત પિતાને પણ જણાવી હતી. તેથી પિતાએ અન્ય પરિવારજનને તપાસ માટે અમદાવાદ મોકલતા તે બાબત ખરી પુરવાર થઈ હતી.
અમદાવાદમાં જ આવેલા ટ્યૂશન ક્લાસ અને વટવા વચ્ચેના લાંબા અંતરના કારણે સવારે અભ્યાસ માટે નીકળેલી તે વિદ્યાર્થિની સાંજ સુધી પરત ફરતી હતી અને ફઈના ઘેર જમવાનું પણ મળતું નથી તેવી ફરિયાદ તેણીએ પિતાને કરતા રામજીભાઈ તપાસ માટે અમદાવાદ દોડી ગયા હતા. તે પછી પણ આ વિદ્યાર્થિનીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જવાનું છે અને તેણી કહેવાતી કોલેજમાં ન જાય તો પણ ચાલશે તેમ કહેવાતા છેતરપિંડી થતી હોવાની આશંકા પિતા રામજીભાઈને દૃઢ બની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.