ભાસ્કર એક્સક્લુઝિવ:મેડિકલ કોલેજની કેન્ટિનના સંચાલકોએ ડોક્ટરને માર મારતા હોસ્પિટલમાં દાખલ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલેજની કેન્ટિનમાં બનેલી ઘટનાથી ડોક્ટરો હતપ્રભ બન્યા: સંચાલકોની દાદાગીરી
  • રેસિડેન્ટ ડોક્ટરોમાં ભારે રોષ: કેન્ટીન સીલ, પરંતુ હજુ સુધી પોલીસ ફરિયાદ નહીં: ઘાયલ ડોક્ટર સર્જીકલ વોર્ડમાં સારવાર હેઠળ

વિવાદમાં રહેવા ટેવાયેલી જામનગરની મેડિકલ કોલેજમાં રૂા.20ની ચા જેવી ક્ષુલ્ક બાબતમાં કેન્ટીનના સંચાલકો દ્વારા ડોક્ટરને માર મારતા તેને દાખલ કરવાની ફરજ પડી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને રેસિડેન્ટ ડોક્ટરો તેમજ અન્યમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. નવાઈની વાત તો એ છે કે, આ બાબતની હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. સત્તાવારાઓએ કેન્ટીનને સીલ કરી દીધી છે અને હવે તેની સામે પગલાં લેવાની વાત કરી રહ્યા છે પરંતુ કોઈ પગલા લેવાયા નથી.

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજની હોસ્ટેલ નં.7માં આવેલી કેન્ટીનમાં શુક્રવારે ચા પીને રેસિડેન્ટ ડો. ગૌરવ ચૌધરીએ રૂા.20 ઓનલાઈન પેમેન્ટ કર્યા હતા જે મળ્યા કે નહીં તે બાબતે કેન્ટીનના સંચાલકો સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં રેસિડેન્ટ ડોક્ટર ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ફરીથી ચા પીવા આવતા કેન્ટીન સંચાલકે ગાળો કાઢી તેને માર મારતા કેન્ટીનમાં લોહી લોહાણ થઈ ગયો હતો. સાથી ડોક્ટરોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવને પગલે ડોક્ટરોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. સત્તાવારાઓએ પણ તાત્કાલિક કેન્ટીનને સીલ મારી દીધુ હતું અને પગલા લેવાની વાત કરી હતી પરંતુ આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. જે નવાઈ ઉપજાવે તેવી વાત છે. ઘાયલ ડોક્ટર હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેને એમએલસી કરાવેલી છે પરંતુ ફરિયાદ થઈ નથી. જેના કારણે ડોક્ટરોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે.

દોષીઓને સજા થશે: ડીન
શનિવારે મને વિદ્યાર્થીઓની આ મારામારીની ફરિયાદ મળી છે. કેન્ટીન હાલ બંધ કરી સીલ કરી દેવામાં આવી છે. આ મામલે પ્રોફેસરોની એક કમિટી બનાવવામાં આવશે અને જે તપાસ કરી રિપોર્ટ આવ્યે દોષિતો સામે પગલા લેવામાં આવશે. પોલીસ ફરિયાદ હજુ સુધી થઈ નથી તે અંગેની મને કોઈ જાણ નથી. > નંદિની દેસાઈ, ડીન, એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જામનગર.

કેન્ટીનની જોહૂકમીથી ડોક્ટરો ત્રસ્ત
જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં લગભગ 5 જેટલી કેન્ટીનો આવેલી છે. જે મોટાભાગે અંગત તેમજ મામા, માસીકાઓને આપી દેવામાં આવી છે જેના કારણે તેઓ પોતાની રીતે મનમાની ચલાવે છે. એક મેડિકલ ફેકલ્ટીના હોદ્દેદાર અને ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન ડોક્ટર જણાવે છે કે, કેન્ટીન તંત્ર અત્યંત ખાડે છે. હોસ્પિટલમાં કે હોસ્ટેલમાં ચા પીવી હોય તો બહારથી મંગાવી પડે છે. ચા માટે પણ તરસવું પડે છે. આવી વ્યવસ્થા કોલેજ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...