જામનગર અને દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં વિધાનસભાની 7 બેઠકો પર નાગરિકોએ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપી દેતાં 6 બેઠક પર ભગવો લહેરાયો છે. મતગણતરી બાદ આ સાતે સાત બેઠક પરના વિજેતા ઉમેદવાર અને બીજા નંબરે મત મેળવનારા ઉમેદવારો પોતાની હાર કે જીત માટે શું વિચારી રહ્યા છે ? એ જાણવા ‘ભાસ્કર’ ટીમે તેમની સાથે વાત કરી હતી. આ તમામ 14 ઉમેદવારોઅે પરિણામ પછી પોતાના મનના વિચારો બેહિચક ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ વ્યક્ત કર્યા હતા.
જામનગર ગ્રામ્ય: હું તો મારી જીત માટે પ્રથમથી જ નિશ્ચિંત હતો: રાઘવજી પટેલ
જામનગર ગ્રામ્યની બેઠક માટે મારી તૈયારી પૂર્ણ હતી. તેમજ મેં કામો પણ ઘણા કર્યા છે. મને લોકો પર ભરોસો હતો એટલે જ હું વિજયી માટે પ્રથમથી જ નિશ્ચિત હતો.
પ્રજાના પ્રશ્નો માટે હંમેશ માટે લડતો રહીશ: પ્રકાશ દોંગા
આજના જે પરિણામો આવ્યા છે તેમાં મારો બીજો નંબર આવ્યો છે. અમે કાયમી પ્રજાના પ્રશ્નો માટે લડતા રહીશું અને આવી જ રીતે કામ પણ કરતા રહીશું. અમે જરાપણ નાસીપાસ નહીં
પ્રધાનમંત્રીની નીતિઓ અને કામથી વિજય થયો: રિવાબા જાડેજા
જામનગર ઉત્તરની બેઠક પરથી લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. પ્રધાનમંત્રીની નીતિઓ અને કામના કારણે તેમજ કાર્યકરોના કારણે મારો વિજય સહેલો અને નિશ્ચિત બન્યો છે.
જામનગર ઉત્તર: EVM પર શંકા છે, ભાજપને ખુદને પણ આટલો ભરોસો નથી: કરમુર
અમે અઢી લાખ લોકોને રૂબરૂ મળ્યા છીએ. તેઓએ અમને મત આપ્યાનું કહેતા હતા. ભાજપને ખુદને ભરોસો નથી કે તેમને આટલા મત મળશે તો મત આવ્યા ક્યાથી ?
જામનગર દક્ષિણ: જીત તો નક્કી જ હતી, લીડ કેટલી તે જોવાનું હતું: દિવ્યેશ અકબરી
જામનગર દક્ષિણની બેઠક પરથી મારી જીત તો પ્રથમથી જ નિશ્ચિત હતી. ફક્ત કેટલી લીડથી હું જીતીશ તે જોવાનું હતું.
મહાપાલિકાના પ્રશ્ને હંમેશા પહેલાની જેમ લડતો રહીશ: મનોજ કથીરીયા
લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે. હું કોંગ્રેસમાં હતો અને કોંગ્રેસમાં છું અને કાયમી રહીશ. હવે લોકોની સમસ્યા અને મહાનગરપાલિકાના પ્રશ્ને લડતો રહીશ.
પ્રજા સાથે સતત સંપર્ક, કાર્યકરોની મહેનતને કારણે વિજય: મેઘજી ચાવડા
પ્રજા સાથે સતત સંપર્ક, કાર્યકરોની મહેનત અને નરેન્દ્રભાઈના નામને કારણે વિજય થયો છે. પાણી, રોડ, રસ્તા, સિંચાઈના પ્રશ્નો છે જે ઉકેલવા આગામી સમયમાં કામ કરવામાં આવશે.
કાલાવડ બેઠક: નવી પાર્ટી છે, અમારા મુદ્દા લોકોને સ્પર્શી ન શક્યા ઃ જીજ્ઞેશ સોલંકી
આમ આદમી પાર્ટી નવી હોય. ભાજપ-કોંગ્રેસની જેમ વર્ષોથી સત્તામાં નથી. પાર્ટીએ ચૂંટણીમાં લાવેલા મુદ્દા લોકોને સ્પર્શી ન શકતા પરાજય થયો છે.
જામજોધપુર બેઠક: ગામોગામ કામ અને સંપર્ક, કાર્યકરોની મહેનતથી વિજય: હેમત ખવા
ગામોગામ લોકસંપર્ક અને કરેલા કામ તથા કાર્યકરોએ કરેલી મહેનતથી વિજય થયો છે. આરોગ્ય, શિક્ષણ અને રોજગાર સમસ્યા હોય તેના પર કામ કરાશે.
ત્રિ-પાંખિયા જંગથી મતોનું વિભાજન થતાં પરાજય:ચીમન સાપરીયા
જામજોધપુર બેઠક પર ત્રિ-પાંખિયો જંગ હોય. મતોનું વિભાજન થતાં તેમજ લોકોએ આમ આદમી પાર્ટીના યુવા ઉમેદવાર પર પસંદગી ઉતારતા પરાજય થયો છે.
વર્ષોથી કરેલી કામગીરી, માઈક્રો પ્લાનીંગને કારણે વિજય: મૂળુ બેરા
ખંભાળિયા બેઠક પર વર્ષોથી કરેલી કામગીરી, પાર્ટીનું માઈક્રો પ્લાનીંગ અને વિકાસના મુદ્દાને કારણે મારો વિજય થયો છે. આ બેઠકની સમસ્યાઓ નિવારવા કામ કરવામાં આવશે.
ખંભાળિયા બેઠક: આગામી 5 વર્ષ માટે લોકપ્રશ્ને લડતા રહીશું ઃ ઈસુદાન ગઢવી
જીવનમાં પ્રથમવાર પૂરી તાકાતથી ચૂંટણી લડ્યો હતો અને નોંધપાત્ર મત મળ્યા છે. મતના વિભાજનથી હાર થઈ છે. છતાં લોકપ્રશ્ને લડતાે રહીશ.
દ્વારકા દક્ષિણ: કરેલી કામગીરી અને વિકાસના મુદ્દાથી સફળતા મળી : પબુભા માણેક
દ્વારકા બેઠક પર વર્ષોથી કરેલી કામગીરી અને પક્ષના વિકાસના મુદ્દાથી પુન: સફળતા મળી છે. હજુ આ વિસ્તારના વિકાસ માટે કાર્ય કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીએ નુકસાન કરતા પરાજય થયો છે: મૂળુ કંડોરિયા
ત્રિ-પાંખિયા જંગમાં મતનું વિભાજન થતાં અને નરેન્દ્ર મોદીને લોકોએ ધ્યાનમાં રાખી મતદાન કરતા અને આમ આદમી પાર્ટીના કારણે મત ઓછા મળતા પરાજય થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.