આક્રોશ:વરસાદ નુકસાનીની સહાય ન મળતાં મામલતદાર કચેરીમાં ધામા

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગી નગરસેવિકા કચેરીમાં બેસી જતાં અધિકારીઓમાં દોડધામ
  • ફોર્મની ભૂલ સુધારણાની કાર્યવાહી ચાલુ કરતા મામલો થાળે પડ્યો

જામનગરમાં વોર્ડ નં.4 ના લોકોને વરસાદ નુકસાનીની સહાય ન મળતાં રોષે ભરાયેલા લોકોએ મામલતદાર કચેરીમાં ધામા નાખ્યા હતાં. કોંગી નગરસેવિકા કચેરીમાં બેસી જતાં અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આથી કચેરી દ્વારા તાકીદે ફોર્મમાં રહેલી ભૂલ સુધારણાની કાર્યવાહી ચાલુ કરાતા મામલો થાળે પડયો હતો. જામનગરમાં ભારે વરસાદ અને ઓવરફલો ડેમના પાણી શહેરના નીચાળવાળા વિસ્તારોમાં ફરી વળતા વ્યાપક નુકસાન થયું હતું. જેમાં શહેરના વોર્ડ નં. 4 ના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

આથી આ વોર્ડના અસરગ્રસ્તોએ સહાય માટે ફોર્મ ભર્યા હતાં. જે પૈકી અડધો અડધ લોકોને હજુ સહાય મળી નથી. આથી વોર્ડના કોંગી નગરસેવિકા રચનાબેન નંદાણીયા અને રહેવાસીઓએ મંગળવારે શહેર મામલતદાર કચેરીને ઘેરાવ કરી કચેરીની અંદર બેસી ગયા હતાં. આ અંગે કોંગી નગરસેવિકા રચનાબેને જણાવ્યું હતું કે, વરસાદ નુકસાની સહાયના ફોર્મમાં ભૂલ હોવાની રજૂઆત કરતા સેવા સદનમાં બારી ખોલવાનું તંત્રએ જણાવ્યું હતું.

પરંતુ મંગળવારે સવારે 100 થી વધુ અરજદારો આવ્યા હોય છતાં તંત્ર દ્વારા સાંજ સુધી બારી ખોલવામાં આવી ન હતી. આથી કચેરીમાં ધસી જઇ વિરોધ વ્યકત કરાયો હતો. આથી અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી અને કચેરીમાં જ અરજદારોના ફોર્મમાં સુધારો કરવામાં આવતા મામલો થાળે પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...