હુમલો:મકાનના મનદુ:ખનો ખાર રાખી યુવક પર ભાઈ-ભાભીનો હુમલો

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકના રાણપરડા વાડી વિસ્તારમાં રહેતા યુવાન પર પાઇપ અને ખરપીયા વડે હુમલો કરી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેના સગા ભાઇ અને ભાભી સામે ફરીયાદ નોંધાઇ છે.બંનેને મકાનની બાબતે મનદુ:ખ ચાલતુ હોય જેનો ખાર રાખી આ હુમલો કર્યાનુ જાહેર થયુ છે. પોલીસે દંપતિ સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કલ્યાણપુર તાલુકાના રાણપરડા વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા સંજયભાઇ હરદાસભાઇ મોઢવાડીયા નામના યુવાને પોતાના પર લોખંડના પાઇપ અને ખરપીયા વડે હુમલો કરી શરીરે આડેધડ માર મારી માથાના ભાગે ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સ્થાનિક પોલીસમાં તેના ભાઇ અજય અને ભાભી નીરૂબેન અજયભાઇ મોઢવાડીયા સામે ફરીયાદ નોંધાવી છે.આ હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો.

ભોગગ્રસ્ત યુવાન અને આરોપી બંને સગા ભાઇ થાય છે અને ત્રણેક માસ પુર્વે બંને અલગ થયા બાદ બંનેને મકાન બાબતે મનદુ:ખ ચાલતુ હોય જેનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી હુમલો કર્યો હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...