ધરપકડ:ભાઈની હત્યાની કોશિષના આરોપી ભાઈની ધરપકડ

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લોકઅપમાં ધકેલ્યો

જામનગર શહેરના વુલન મીલ ફાટક પાસે આવેલા સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા અને મજૂરીકામ કરતા યુવાનને તથા તેની માતાને તેનો ભાઈ રહેવા દેતો ન હોય અને મા-દીકરા ગમતા ન હોય જે બાબતે અવારનવાર બોલાચાલી થતી હોય જેનું મનદુ:ખ રાખી મંગળવારે ભાઈને છરીના ઘા ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તાત્કાલિક આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર સિદ્ધાર્થનગર શેરી નં.1 ઝૂંપડપટ્ટીમાં રહેતા અને મજૂરીકામ કરતા શૈલેષ તેજાભાઈ સાગઠીયા (ઉ.વ.30) નામનો યુવાન અને તેની માતા બાલુબેનને તેનો ભાઈ કાનો મકાનમાં રહેવા દેતો ન હોય અને બંને મા-દીકરા ગમતા ન હોય. અવારનવાર બોલાચાલી કરતા હોય. જેનું મનદુ:ખ રાખી મંગળવારે શૈલેષ તેના લતામાં જતો હતો ત્યારે તેનો ભાઈ કાનો ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી શૈલેષને છરીના 3 ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં શૈલેષ ફસડાઈ પડ્યો હતો. બનાવ અંગે જાણ થતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને શૈલેષને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેની હાલત ગંભીર ગણાવાઈ રહી હતી.

આ બનાવ અંગે પોલીસે સવજી ઉર્ફે કાનો તેજા સાગઠીયા વિરૂદ્ધ હત્યાની કોશિષ સહિતની કલમો અંગે ગુનો નોંધી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ગણતરીની કલાકોમાં સવજી ઉર્ફે કાનો તેજા સાગઠીયા પોલીસના હાથમાં આવી ગયો હતો. જેની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...