પ્રાકૃતિક ખેતી:બ્રાસપાર્ટનો વ્યવસાય છોડી યુવાનની ગાય આધારિત ખેતી

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાક માટે દવા અને ખાતર ગૌમુત્ર, કઠોળનો લોટ, દેશી ગોળ, સહિતની ચીજવસ્તુઓમાંથી તૈયાર કરે છે
  • 10 વર્ષ પહેલા ખેતીમાં ઝંપલાવી સારૂ ઉત્પાદન મેળવી રહ્યાે છે

જામનગર જિલ્લાના ધ્રોલના વાગુદડ ગામે રહેતા જીગ્નેશ રણછોડભાઈ પરમાર બ્રાસપાર્ટના કારખાનાને તાળા મારી છેલ્લા 10 વર્ષથી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. તેઓ પાકના માટે દવા અને ખાતર ગાયનું ગૌમુત્ર, કઠોળનો લોટ, દેશી ગોળ, લસણ, મરચાં સહિતની ચીજવસ્તુઓમાંથી સ્વયંમ બનાવી રહ્યા છે.

ગાય આધારિત ખેતી અંગે જીગ્નેશ ભાઈ જણાવ્યું હતું કે, ગાયના શરીરમાં મનુષ્યને ઉપયોગી ઘણા તત્વો હોય છે. આથી બ્રાસપાર્ટના કારખાને તાળા મારી ગાય આધારિત ખેતી કરવાનું શરૂ કર્યુ છે. ખેતરમાં મગફળી, તુવેર, મગ,અડદ, આદુ, કાબુલી ચણા સહિતના પાકો લેવામાં આવે છે. આ માટે ખાતર ગાયના ગૌમુત્ર, કઠોળ નો લોટ, દેશી ગોળ સહિતની ચીજવસ્તુઓથી તૈયાર કરી તેનો જ ઉપયોગ કરું છું. આ ખાતરને જીવામૃત નામ આપ્યું છે.

આ ઉપરાંત ઘણી વખત પાકમાં જીવાત રોગ જેવી અનેક સમસ્યા થતી હોય છે ત્યારે મોટાભાગના ખેડૂતો કેમિકલનો ઉપયોગ કરતા હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જેના કારણે ઘણીવાર લોકો ગંભીર રોગનો શિકાર બને છે. ત્યારે લોકોની સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી તુલસી, કરેટ, લીમડો જેવી વિવિધ વસ્તુઓથી જ દવા બનાવું છું જે લોકોના સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે.

પાક માટે ખૂબ જ ઉપયોગી જીવામૃત ખાતર બનાવવાની રીત
200 લિટરના બેરલમાં 10 કિલો ગાયનું છાણ, 10 લીટર ગૌમુત્ર, 1 કિલો કઠોળનોલોટ, 1 કિલો દેશી ગોળ, 500 ગ્રામ વડના ઝાડની માટીને પાણી સાથે મિક્સ કરી સવાર-સાંજ પાંચ મિનિટ હલાવવાથી જીવામૃત ખાતર બને છે. આ ખાતર શિયાળામાં અઠવાડિયામાં અને ઉનાળામાં ચાર દિવસમાં તૈયાર થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...