ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ અને ઉમેદવારો નક્કી થયા તે સાથે જ વર્ષોથી અટકી પડેલા પ્રશ્નો માટે અમૂક શહેરી વિસ્તારો અને ગામડાઓએ પોતાનું હથિયાર બહિષ્કારરૂપે અને પ્રવેશબંધીરૂપી બહાર કાઢતા તંત્ર અને નેતાઓમાં દોડાદોડી થઈ ગઈ હતી પરંતુ આજના સમયે આ તમામ વિસ્તારો અને ગામોમાંથી આ બોર્ડ ગાયબ થઈ ગયા છે અને સ્થિતિ સામાન્ય બની ગઈ છે. શું થયું છે તે બાબતે કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી પરંતુ સમસ્યાનું સમાધાન થયું કે દબાણ તે નક્કી થતું નથી.
જામનગર જિલ્લામાં ચૂંટણીની જાહેરાત થઈ અને બંને મુખ્ય પક્ષો સહિતનાઓએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા અને પ્રચાર ચાલુ થયો તે સાથે જ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રસ્તા પ્રશ્ને લોકોએ મતદાનના બહિષ્કારનું એલાન કર્યું તો સ્વામિનારાયણનગર અને ગ્રીન વીલામાં લોકો રસ્તા પર ઉતરી આવી રોષ પ્રગટ કરી ચૂંટણી બહિષ્કારના સ્થાનિક પ્રશ્નનો નિકાલ ન આવતા એલાન કર્યું હતું. આવી જ રીતે લાલપુરના રંગપર અને નવાણીયા ગામે નેતાઓને પ્રવેશબંધીના બોર્ડ લાગ્યા હતા. તેમજ જોડિયાના મેઘપર ગામે બહિષ્કારનું એલાન થયું હતું. જેના કારણે સ્થાનિક નેતાઓ અને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ બધા વિસ્તારો અને ગામના પ્રશ્નો રાતોરાત હલ થાય તેમ ન હોય.
‘દિવ્ય ભાસ્કર’ દ્વારા આ ગામો અને વિસ્તારોમાં ફરી તપાસ કરાતા જાણવા મળ્યું કે, સ્થિતિ સામાન્ય બની ગઈ છે અને બોર્ડ તથા બેનરો ગામ અને વિસ્તારોમાંથી ઉતરી ગયા છે. લોકો પ્રશ્નનું શું થયું તે બાબતે બોલવા તૈયાર નથી પરંતુ ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તેવું હાલ લાગી રહ્યું છે. જામનગર શહેરના આ ચોકકસ વિસ્તારોમાં અને કેટલાક ગામડાઓમાં પણ માહોલ પૂર્વવત કોણે અને કેમ બનાવ્યો તે રહસ્ય અકબંધ જ રહ્યું છે.
ભારેલો અગ્નિ ક્યાંક ભભૂકી ન ઉઠે તેવી રાજકીય પક્ષોને ભીતિં
જે વિસ્તારમાં બેનરો અને બોર્ડ લાગ્યા હતા તે વિસ્તારમાં સૂત્રો જણાવે છે કે, હાલ તો ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. લોકો કંઈ બોલતા નથી પરંતુ તેમનો રોષ છૂપો પણ નથી. હાલ તો દબાણ, લાલચ કે પછી અન્ય રીતે લોકોને ચુપ કરાવી દેવામાં આવ્યા છે. પરંતુ મત દઈને આ લોકો કેવી રીતે પોતાનો રોષ પ્રગટ કરશે તે નક્કી થતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.