હાઈકોર્ટના આદેશનું પાલન:દ્વારકા નગરપાલિકા દ્વારા સરકારી હોસ્પિટલમાં ફાયર NOCના અભાવે બંને ઓપરેશન થિયેટર સીલ કરવામાં આવ્યા

જામનગર6 મહિનો પહેલા

દ્વારકા નગરપાલિકા દ્વારા દ્વારકા શહેરની અને 42 ગામની એકમાત્ર મુખ્ય દ્વારકા સરકારી હોસ્પિટલના

બંને બિલ્ડિંગમાં આવેલી ઓપરેશન થિયેટરમાં ફાયર એનઓસી ન હોવાથી દ્વારકા નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર ઉદય આશિત અને ફાયર સ્ટાફ સાથે રહી ઓપરેશન થિયેટરને સીલ કરી નાખતા દ્વારકા પંથકમાં ભારે ચકચાર જાગી છે.

દ્વારકા નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર ઉદય આશિત દ્વારા ફાયર સુવિધાની બાબતે ઊંડો અભ્યાસ કરી રહ્યા છે અને તેનો તરત અમલ દ્વારકા શહેરમાં તમામ જરૂરી જગ્યા ઉપર થાય તેના માટે ટૂંક સમયમાં જ એકશન પ્લાન પણ બનાવવામાં આવનાર છે એવું જાણવા મળ્યું હતું. અને હાલ ગુજરાત હાઇકોર્ટની સુચના અનુસાર હોસ્પિટલ તથા સ્કુલમાં ફાયર સેફ્ટીનું નિર્દેશ મુજબ તમામ જગ્યાએ નિરીક્ષણ થઇ રહ્યું છે. અને જ્યા ફાયર સેફ્ટી વિષે ઉદાસીનતા હોય ત્યા સીલ કરવા સુધીના નિર્દેશ થયા છે. જે અંતર્ગત દ્વારકા સિવિલ હોસ્પિટલ ના ઓપરેશન થિયેટરમાં ફાયર એનઑસી વગર ચાલતું હોય, તાત્કાલિક અસરથી તેને સીલ કરવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલના ડોકટર વિપુલ ચંદારાણાએ કહ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી દ્વારકા સિવિલ હોસ્પિટલની બંને બિલ્ડિંગમાં ફાયર સેફટીનું કામ યુદ્ધના ધોરણે થઇ જ રહ્યું છે અને લગભગ 20 થી 25 દિવસમાં આ કાર્ય પણ પૂર્ણ થઈ જશે.

દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદય આશિત દ્વારા જણાવાયું હતું કે, ફાયર સેફ્ટી મામલે ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર આજે દ્વારકા સિવિલ હોસ્પિટલના ઓપેરશન થિયેટર સીલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં હાલ ફાયર સેફ્ટીનું કામ ચાલી રહ્યું છે. જે પૂર્ણ થતા જ ઓપરેશન થિયેટર ફરી કાર્યરત કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...