હડતાળનો આઠમો દિવસ:જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજના બોન્ડેડ ડોકટર્સે ટોપી પહેરી સરકારની નીતિનો વિરોધ કર્યો

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1:2ની ઓફર કરી સરકારે અમને 'ટોપી' પહેરાવી તેની સામે અમારો વિરોધ છે- તબીબ

બોન્ડ સહિતના વિવિધ પ્રશ્નોને લઈ હડતાળ પર ઉતરેલા જામનગર મેડિકલ કોલેજ સહિત રાજ્યની 6 સરકારી મેડીકલ કોલેજના બોન્ડેડ તબીબોની હડતાળનો આજે આઠમો દિવસ છે. ત્યારે જામનગરના બોન્ડેડ તબીબો દ્વારા આજે મેડીકલ કોલેજ કેમ્પસમાં ટોપી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. ગતરાત્રે પણ તબીબો દ્વારા કોરોના વોરિયર્સના સન્માનમાં કેન્ડલ પ્રગટાવી ન્યાયની માગ કરી હતી.

રાજ્યની અન્ય સરકારી મેડીકલ કોલેજની સાથે જામનગરની મેડીકલ કોલેજના બોન્ડેડ ડોકટર્સ પણ પોતાની બોન્ડ સહિતની માગણીઓને લઈ હડતાળમાં જોડાયા છે. તેઓની હડતાળનો આજે આઠમો દિવસ છે. જ્યાં સુધી તેઓની માગ ના સંતોષાઈ ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાનું કહી રહ્યા છે. જામનગરના બોન્ડેડ ડોકટર્સે આજે ટોપી પહેરી વિરોધ નોંધાવ્યો હતો. તબીબે કહ્યું હતું કે, બોન્ડના સમય ગાળામાં સરકારે 1:2ની ઓફર કરી અમને ટોપી પહેરાવી એટલે અમે આજે ટોપી પહેરીને વિરોધ નોંધાવીએ છીએ.ગતરાત્રે પણ તબીબો દ્વારા કોરોના વોરિયર્સના સન્માનમાં કેન્ડલ પ્રગટાવી ન્યાયની માગ કરી હતી.

મહત્વનું છે કે, ગઈકાલે જ રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે હડતાળ પર ઉતરેલા ડોકટર સાથે વાતચીત કરવા માટે સરકારનું મન ખુલ્લું હોવાની વાત કરી હતી, જો કે, તેઓએ તબીબોને બિનશરતી રીતે હડતાળ પૂર્ણ કરી પોતાને જે સ્થળ પર ફરજ સોંપવામા આવી છે ત્યાં હાજર થઈ જવાની અપીલ કરી હતી.