પિતા સામે પુત્રનું મોત:ભાણવડમાં બોલેરો ગાડીએ બળદગાડાને ટક્કર મારતા અકસ્માત, એકનું મોત, બે લોકોને ઈજા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતે બોલેરો છોડી નાસી ગયેલા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વાનાવડ ગામે બે દિવસ પૂર્વે રાત્રીના 12 વાગ્યે પુરઝડપે ચાલી રહેલા બોલેરોએ આગળ જતાં બળદગાડાને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં ખેડૂતની નજર સામે તેના માસૂમ પુત્રનું ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ખેડૂત અને તેની સાથેના અન્ય એક યુવાનને ઇજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે વાહન છોડી નાસી ગયેલા આરોપી ચાલકની શોધખોળ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની વિગત મુજબ ભાણવડ તાલુકા મથકથી 17 કિલોમીટર દૂર આવેલા વાનાવડ ગામે ગત તારીખ 16મી મેના રોજ રાત્રીના 12 વાગ્યે પોતાનું બળદગાડું લઈ માવજીભાઈ દાનાભાઇ વાઘેલા વાનાવડ ગામની સીમમાંથી પસાર થતા હતા. ત્યારે પાછળથી બોલેરો પિકઅપ વાહને જોરદાર ટક્કર મારતા અકસ્માત થયો હતો, જેમાં બળદગાડા પર બેઠેલા માવજીભાઈ વાઘેલા તેમના દીકરા મયુર ઉંમર વર્ષ બાર અને ચીમનભાઈ સાદીયા નામના ત્રણેય વ્યક્તિઓ ફંગોળાઈ ગયા હતા. જેથી માવજીભાઈના પુત્ર મયુરને શરીરમાં અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે માવજીભાઈ અને ચીમનભાઈને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે સારવાર લીધા બાદ માવજીભાઈએ અકસ્માત નિપજાવી બોલેરો છોડી નાસી ગયેલા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ભાણવડ પોલીસ દફતરના પીએસઆઇ રોશન નોઇડા સહિતના સ્ટાફે બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...