જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક એક બોલેરો પીકપ વેન પલટી મારી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગરના યાત્રાળુઓને દ્વારકા દર્શન કરીને પરત ફરતી વખતે અકસ્માત નડવાથી એક યાત્રાળુનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય સાતેક યાત્રાળુઓને ઈજા થઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં રહેતા પ્રવીણભાઈ રાજુભાઈ ગોહિલ, તુષારભાઈ જીવુભાઈ ભરવાડ તથા અન્ય 10 જેટલા પરિવારના સભ્યો કે જેઓ સોમવારે સુરેન્દ્રનગરથી એક બોલેરો પીકપ વેનમાં બેસીને દ્વારકાધીશજીના દર્શને ગયા હતા અને સુરેન્દ્રનગર જવા માટે પરત ફરી રહ્યા હતા.
જે દરમિયાન 11.30 વાગ્યા જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામ પાસે કંકાવટી કેનાલ નજીક એકાએક બોલેરો પલટી મારી ગયો હતો. જે અકસ્માતમાં અંદર બેઠેલા યાત્રાળુઓ પૈકીના સાતેક યાત્રાળુઓને નાની-મોટી ઈજા થઈ હતી. સુરેન્દ્રનગર ના વતની એવા તુષારભાઈ જીવાભાઈ ભરવાડ નામના 20 વર્ષના યાત્રાળુને ગંભીર ઈજા થઈ હોવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયુ હતું.
અકસ્માતના બનાવને લઇને યાત્રાળુઓના પરિવારના ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું, અને દોડાદોડી થઈ હતી. આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને તુષારભાઈ ના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે વઢવાણના પ્રવીણ ભાઈ રાજુભાઈ ગોહિલે બે કાળજીપૂર્વક બોલેરો પીકપ વેન ચલાવવા અંગે સુરેન્દ્રનગરના રાજાભાઈ ગાંડાભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે. અન્ય ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી સુરેન્દ્રનગર જવા દેવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.