જામનગરનો ચૂંટણી જંગ:ભાજપે શહેરમાં નવોદિતોને અને ગ્રામ્યમાં જૂના જોગીઓને મેદાને ઉતાર્યા, કૉંગ્રેસની યાદીનો ઈંતજાર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે ભાજપે આજે જાહેર કરેલી પ્રથમ યાદીમાં જામનગર જિલ્લાની તમામ પાંચ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. 2017માં જામનગર જિલ્લામાં ભાજપની સરખામણીએ કૉંગ્રેસનો હાથ ઉપર રહેતા આ ચૂંટણીમાં ભાજપે ગ્રામ્ય વિસ્તારમાં જૂના જોગીઓ પર વિશ્વાસ મૂક્યો છે. જ્યારે સૌથી મજબૂત ગણાતી શહેરની બંને બેઠકો પર નવોદિતોને ટિકિટ આપી છે. જામનગર ઉત્તરની બેઠક પર હકુભા જાડેજાનું પત્તું કાપી ભાજેપ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે.

જામનગર દક્ષિણ ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી
જામનગર દક્ષિણ ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી

આર.સી.ફળદુના ઈન્કાર બાદ દિવ્યેશ અકબરીને ટિકિટ
જામનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ગઈકાલે જ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. આ બેઠક પર ભાજપે મનપાના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન દિવ્યેશ અકબરીને ટિકિટ આપી છે. જ્યારે આ બેઠક પર આમ આદમી પાર્ટીએ વિશાલ ત્યાગીને ટિકિટ આપી છે. કૉંગ્રેસના ઉમેદવારની જાહેરાત હજી બાકી છે.

જામનગર ઉત્તરના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા
જામનગર ઉત્તરના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા

હકુભાનું પત્તું કાપી રીવાબા જાડેજાને ટિકિટ આપી
ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતી જામનગર ઉત્તર બેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્ય હકુભા જાડેજાનું પત્તું કાપી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર કૉંગ્રેસે બીપેન્દ્રસિંહ જાડેજાને અને આમ આદમી પાર્ટીએ કરશન કરમુરને મેદાને ઉતાર્યા છે.

જામનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ
જામનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ

જામનગર ગ્રામ્ય બેઠક પર રાઘવજી પટેલ રિપિટ
કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા અને કૃષિ મંત્રી બનેલા રાઘવજી પટેલ પર ભાજપે વધુ એક વિશ્વાસ વ્યકત કર્યો છે. જામનગર ગ્રામ્ય બેઠક પર રાઘવજી પટેલને રિપિટ કર્યા છે. વર્ષ 2017માં આ બેઠક પર કૉંગ્રેસના વલ્લભ ધારવીયાની જીત થઈ હતી. બાદમાં તેને રાજીનામું આપી દેતા પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં રાઘવજી પટેલનો વિજય થયો હતો. આ બેઠક પર આમ આદમી પાર્ટીએ પ્રકાશ દોંગાને ટિકિટ આપી છે. તો કૉંગ્રેસના ઉમેદવારની જાહેરાત હજી બાકી છે.

જામજોધપુર ભાજપના ઉમેદવાર ચીમન સાપરિયા
જામજોધપુર ભાજપના ઉમેદવાર ચીમન સાપરિયા

જામજોધપુર બેઠક પર પૂર્વ કૃષિમંત્રીને ટિકિટ
જામજોધપુર બેઠક પર ભાજપે જૂના જોગી એવા ચીમન સાપરિયાની પસંદગી કરી છે. પૂર્વ કૃષિ અને ઉર્જા મંત્રી ચીમન સાપરિયાએ 2017માં પાટીદાર આંદોલન સમયે આ બેઠક પર કૉંગ્રેસના ચિરાગ કાલરિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં કૉંગ્રેસ ચિરાગ કાલરિયાને રિપિટ કરે તેવી પૂરી શક્યતા છે. તો આમ આદમી પાર્ટીએ તાજેતરમાં જ પાર્ટીમાં સામેલ થયેલા હેમંત ખવાને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે.

કાલાવડ ભાજપના ઉમેદવાર મેઘજી ચાવડા
કાલાવડ ભાજપના ઉમેદવાર મેઘજી ચાવડા

કાલાવડ બેઠક પર મેઘજી ચાવડાને ટિકિટ
જામનગર જિલ્લાની SC અનામત કાલાવડ બેઠક પર ભાજપે મેઘજી ચાવડાને ટિકિટ આપી છે. નોંધનીય છે કે, આ બેઠક પર 2017માં ભાજપે સીટીંગ ધારાસભ્ય મેઘજી ચાવડાની ટિકિટ કાપી મૂળજી ધૈયડાને મેદાને ઉતાર્યા હતા. પરંતુ, તેની કૉંગ્રેસના પ્રવીણ મુછડિયા સામે હાર થઈ હતી. કૉંગ્રેસ અહીં પોતાના સીટીંગ ધારાસભ્યને રિપિટ કરે તેવી પૂરી શક્યતા છે. ત્યારે ભાજપે મેઘજી ચાવડાને મેદાને ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ અહીં ડો. જિગ્નેશ સોલંકીને ટિકિટ આપી છે.

અન્ય સમાચારો પણ છે...