સતવારા સમાજની નારાજગી:હાલારમાં ભાજપ-કૉંગ્રેસે ટિકિટ ન આપતા વિરોધનો સૂર ઉઠ્યો, જામનગર સતવારા સમાજના પ્રમુખે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું

જામનગર3 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારેજ જામનગર જિલ્લામાં ભાજપ કે કૉંગ્રેસ તરફથી સતવારા સમાજને એક પણ ટિકિટ ન અપાતા નારાજગીનો સૂર ઉઠ્યો છે. છેલ્લા 44 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા અને હાલ જામનગર સતવારા સમાજના પ્રમુખ ભનુભાઈ ચૌહાણે જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. આજે મળેલી બેઠકમાં ખુલ્લીને ભાજપ અને કૉંગ્રેસ સામે નારાજગી વ્યકત કરી હતી.

જામનગર ગ્રામ્ય બેઠક પર સતવારા સમાજની દાવેદારી હતી
જામનગર ગ્રામ્ય બેઠક પર સતાવાર સમાજના 35000 જેટલા મતદારો છે. આ બેઠક પર ભાજપ અને કૉંગ્રેસમાંથી સતવારા સમાજના નેતાઓએ ટિકિટ માગી હતી. પરંતુ, બંનેમાંથી એકપણ પક્ષે ટિકિટ આપી ન હતી. ભાજપ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારને તો કૉંગ્રેસ આહીર સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે.

જામનગર સતવારા સમાજના પ્રમુખે જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું
જામનગર સતવારા સમાજના પ્રમુખ ભનુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, હું 44 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો છું. હું બે ટર્મથી પક્ષ પાસે સમાજના વ્યકિત માટે માગણી કરતો આવ્યો છું. મને પક્ષ દ્વારા હા એ હા કરવામાં આવી પણ કંઈ આપ્યું નહીં. મને ધારાસભ્યનો ફોન આવ્યો નથી.મને થયું કે, આવડો સમાજ અને જો તેને અન્યાય થાય તો હોદો રખાય નહીં. આજે મેં નક્કી કર્યું કે ભાજપમાંથી રાજીનામું આપવું છે અને સમાજને ન્યાય અપાવવો છે. હું ગામડે ગામડે જઈશ અને ન્યાય અપાવીશ.અમને જે પક્ષે અન્યાય કર્યો છે તેને મત નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

જામનગર ગ્રામ્ય બેઠકનો જંગ રસપ્રદ બનશે
જામનગર ગ્રામ્ય બેઠક પર મોટી સંખ્યામાં મુસ્લિમ અને સતવારા સમાજના મતદારો છે. અહીં કૉંગ્રેસે મુસ્લિમ સમાજને ટિકિટ ન આપતા મુસ્લિમ સમાજ પહેલાથી જ નારાજ થયો હતો અને કૉંગ્રેસના પૂર્વ નેતા કાસમ ખફીએ આ બેઠક પર બીએસપીમાંથી ઝંપલાવ્યું છે. હવે સતવારા સમાજની પણ નારાજગી સામે આવી છે. ટૂંકા માર્જિનથી આ બેઠક પર હારજીત થતી હોય આ બેઠકનો જંગ રસપ્રદ બની રહેશે.

​​​​​

અન્ય સમાચારો પણ છે...