ભાસ્કર અગ્રેસર:મનપાના ભંગાર વાડામાંથી ચોરી થતી હોવાનો ભાંડાફોડ ભાસ્કરે 5 માસ પહેલા ફોટા સાથે ઘટસ્ફોટ કર્યો હતો

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 20-20 સિકયુરિટી ગાર્ડ હોવા છતાં "દરવાજા મોકળા' : ભંગારના વાડામાં થયેલી ચોરીની હજુ સુધી ફરિયાદ નહીં

જામનગર મહાનગરપાલિકા હંમેશા વિવાદમાં રહેવા ટેવાયેલી છે. આ વખતે ફરી વખત ભંગાર પ્રકરણ ચર્ચાના ચાકડે ચડ્યું છે. રવિવારે 3 શખસો ભંગાર ચોરી કરીને ભાગતા હતા ત્યારે તેઓને રાહદારીએ જોઈ જતાં સામાન મૂકીને ભાગી ગયા હતા. આ ચોરી બાદ મનપાની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. ‘દિવ્ય ભાસ્કરે’ 5 માસ પહેલા જ ભંગારમાં વાહનો બારોબાર વેચી મારવાનું કૌભાંડ બહાર પાડ્યંુ હતું. જેનું કોઈ પરિણામ આજ સુધી ન આવતા ફરી એક ચોરીની ઘટના થતાં તંત્ર સફાળુ જાગ્યું છે. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ પાસે આવેલા ભંગારના વાડામાં અનેક ભંગારની વસ્તુઓ દરેક વિભાગની પડી હોય છે.

તેમજ જપ્ત કરેલો માલ સામાન પણ અહીં રાખવામાં આવે છે. આ સામાન માટે અહીં કોઈ કેમેરા કે સીસીટીવી નથી. રવિવારે રાત્રે 3 શખસોએ અહીંથી 4 જેટલા બેરલો અને 20 કિલો જેટલો ભંગાર ભેગાે કરી નાસી છૂટવાની પેરવી કરતા હતા ત્યારે ત્યાંથી નીકળેલા રાહદારીએ તેઓને જોઈ જતાં મહાપાલિકાને જાણ કરી હતી અને સિક્યુરિટી પહોંચી જતાં તેઓ સામાનને ભીડ ભંજન મંદિર પાસે ફેંકીને નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં પણ હજુ સુધી મહાપાલિકા દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

સિક્યુરિટીના 20 કર્મચારીઓ મહાપાલિકામાં કાર્યરત
જામનગર મહાનગરપાલિકામાં 24 કલાક 20 જેટલા સિક્યુરિટીમેન કાર્યરત હોય છે. જેઓ મહાપાલિકાની માલ મિલકતનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવે છે. પરંતુ રવિવારે બનેલી ઘટનાએ તેઓની પોલ ખોલી નાખી છે. રાત્રિના સમયે રેઢા પટ જેવા મહાપાલિકામાં ગમે તે દીવાલ ટપીને ઘૂસી જાય છે અને ચોરીઓ કરીને નીકળી જાય છે. આવી તો અનેક ચોરીઓ ભૂતકાળમાં થઈ ચૂકી છે.

જે વિભાગનો માલ સામાન હતો તે કહે તો ફરિયાદ થાય : ઓફિસર
જામનગર મહાનગરપાલિકામાં રવિવારે ચોરી થઈ તે માલ સામાન આરોગ્ય વિભાગનો હોવાનું જાણવા મળ્યું છે. તે લોકોએ રિપોર્ટ આપવો જોઈએ તે પછી અધિકારીઓ મંજૂરી આપે તે પછી પોલીસ ફરિયાદ કરવામાં આવે. - રાજભા ચાવડા, સિક્યુરિટી ઓફિસર, જામ્યુકો.

તસ્કરોની સગવડતા માટે ભંગાર વાડામાં સીસીટીવી કે ચોકીદાર જ નથી
જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના બાજુમાં આવેલા ભંગારના વાડામાં લાખો રૂપિયાનો ભંગાર પડ્યો છે તેમ જ રક્ત કરેલો માલ સામાન તેમજ અન્ય વિભાગોના ભંગાર થયેલો સામાન પડ્યો છે ખાટલે મોટી ખોટ ઈ છે કે આ વાડામાં ના તો કોઈ સીસીટીવી કેમેરા છે ના તો કોઈ કાયમી ચોકીદાર રાખવામાં આવ્યો છે જાણે તસ્કરોની સગવડતા માટે આ સુવિધા ઉભી કરવામાં આવી હોય એવું ચિત્ર ઉપસ્યું છે.

અન્ય સમાચારો પણ છે...