ભાસ્કર રિયાલિટી ચેક:ભાસ્કરે શહેરીજન બની ફોન કરતા જવાબ મળ્યો, અમારી ટીમ તમને કોલ કરશે; 34 કલાક વીતી ગયા, હજુ ફોન નથી

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લમ્પીગ્રસ્ત પશુની સારવાર માટે હેલ્પલાઇન નં. 9099112101 જાહેર કરાયો, પણ...
  • મનપાનો દાવો- એક દિવસમાં 124 ફરિયાદનો નિકાલ કરાયો છે!

જામનગરમાં લમ્પી રોગચાળાએ માઝા મૂકતા ગૌવંશના ટપોટપ મૃત્યુ થતા શનિવારે રાજયના કૃષિમંત્રીએ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે તાકીદની બેઠક કરી હતી. જેમાં મહાનગરપાલિકાએ 24 કલાક કંટ્રોલરૂમ શરૂ કરી લમ્પીગ્રસ્ત પશુની સારવાર માટે હેલ્પલાઇન નં. 9099112101 જાહેર કર્યો છે. જેના પર દિવ્ય ભાસ્કરે શહેરીજન બની કોલ કરતા તમારા વિસ્તારમાં ટીમ આવશે ત્યારે તમને ફોન કરશે. પરંતુ 30 કલાક પછી પણ ટીમનો ફોન ન આવતા મનપાની પોલંમપોલ છતી થઇ છે.

ફોન કરતા તમારી ફરિયાદ નોંધી ટીમને મોકલી દેવામાં આવી હોવાનું જણાવામાં આવે છે. આટલું જ નહીં શહેરના 16 વોર્ડમાં રવિવારે એક દિવસમાં 124 ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યાનો દાવો મહાનગરપાલિકાએ કર્યો છે. જામનગર શહેરમાં લમ્પી રોગચાળાએ કહેર વર્તાવ્યો છે. જેની સામે રસીકરણ અને રોગગ્રસ્ત પુશની સારવારમાં વિલંબના કારણે ગૌવંશના ટપોટપ મૃત્યુ થઇ રહ્યા છે. જેના કારણે જીવદયાપ્રેમીઓ અને પશુમાલિકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

લમ્પીની ગંભીર સ્થિતિના પગલે રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલે શનિવારે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં મનપાએ લમ્પીગ્રસ્ત પશુની સારવાર માટે 24 કલાક કંટ્રોલ રૂમ અને 9099112101 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો.

આ નંબર પર દિવ્યભાસ્કરે રવિવારે સવારે 11.48 કલાકે વોર્ડ નં.9 માં આણદાબાવા ચકલા પાસે ભરાણીના ડેલામાં લમ્પીગ્રસ્ત ગાય હાંફતી હોય તેની સારવાર માટે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ફરિયાદ નોંધાયા બાદ એક કલાક સુધી પ્રત્યુતર ન મળતા પુન: તે જ નંબર પર ફોન કરતા ચાર ટીમ કાર્યરત છે તમારી ફરિયાદ ટીમને આપી છે

ટીમ તમારા વિસ્તારમાં આવશે એટલે ફોન કરશે તેમ જણાવ્યું હતું. પરંતુ સોમવારે સાંજે 5 કલાક એટલે કે 30 કલાક પસાર થવા છતાં ટીમનો ફોન આવ્યો ન હતો. લમ્પી રોગચાળાએ હદ વટાવી છે અને ગૌવંશ મૃત્યુ પામી રહ્યા છે છતાં મહાનગરપાલિકામાં કેવું પોલંમપોલ ચાલે છે તે બહાર આવતા લાગણીહીન તંત્ર સામે ભારે રોષની લાગણી ફેલાઇ છે.

તપાસનો વિષય - ટીમના કર્મચારીઓ ઉંધા ચશ્મા પહેરાવી રહ્યા છે
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના 16 વોર્ડમાં લમ્પીગ્રસ્ત ગાયની સારવાર, રસીકરણ માટે ચાર-ચાર વોર્ડ દીઠ એક ટીમ બનાવી છે. પરંતુ આ ટીમના કર્મચારીઓ દ્વારા અધિકારીઓ અને લોકોને ઉંઘા ચશ્મા પહેરાવામાં આવી રહ્યા હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, ફરિયાદ નોંધાવ્યા બાદ પણ 30 કલાક સુધી ફોન ન આવ્યો નથી. તેની સામે અરજદારે ફોન રિસીવ ન કર્યાનું અને સ્થળ પર ગાયનું હોવાનું કારણ બતાવી 43 ફરિયાદો અણઉકેલ રહ્યાનું જણાવતા ખરેખર આ મુદો તપાસનો વિષય બન્યો છે.

અરજદારે ફોન રીસીવ ન કરતા, ગાય ન હોય 43 ફરિયાદ અણઉકેલ
લમ્પીગ્રસ્ત ગાયની ફરિયાદ નોંધાવવા માટે મહાનગરપાલિકાએ જાહેર કરેલા હેલ્પલાઇન નં.9099112101 પર રવિવારે વોર્ડ નં.1 થી 4 માં 12, વોર્ડ નં.5 થી 8 માં 20, વોર્ડ નં.9 થી 12 માં 21 અને વોર્ડ નં.13 થી 16 માં 71 મળી કુલ 124 ફરિયાદનો નિકાલ કરાયો છે. જયારે લમ્પીગ્રસ્ત ગાયની સારવાર અને રસીકરણની 167 ફરિયાદ પૈકી સ્થળ તપાસ દરમ્યાન અરજદાર દ્વારા ફોન રીસીવ કરવામાં ન આવતા અને સ્થળ પર ગાય ન હોય 43 ફરિયાદ અણઉકેલ રહી છે.> ભાવેશ જાની, સીટી એન્જીનીયર, જામનગર મહાનગરપાલિકા.

અન્ય સમાચારો પણ છે...