પાલિકા ચુૂંટણી:ભાણવડમાં સરેરાશ 62.27%, ઓખામાં સરેરાશ 55.07% મતદાન થયું

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાણવડના 72 અને ઓખાના 84 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ : મંગળવારે ભાવી ખુલશે
  • કાલે મત ગણતરી, દ્વારકા પાલિકાની એક બેઠક માટે સરેરાશ 36.31 ટકા, તા.પં.ની બેઠક પર સરેરાશ 47 ટકા મતદાન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકાની મધ્યસ્થ અને ઓખા નગરપાલિકાની સામાન્ય ચુંટણીનુ મતદાન રવિવારે સંપન્ન થયુ હતુ.જેમાં ભાણવડમાં સરેરાશ 62.27 ટકા,ઓખામાં 55.07 ટકા અંદાજીત મતદાન નોંધાયુ હતુ.ભાણવડ પાલિકાના વોર્ડ નં.1માં ઇવીએમના અંક બરાબર ન ચાલતા કોંગ્રેસે વિરોધ દર્શાવી ધરણા યોજયા હતા. જે બાદ ઇવીએમ બદલવામાં આવ્યુ હતુ.જયારે દ્વારકા પાલિકાની એક બેઠક માટે સરેરાશ 36.21 ટકા તથા ટુંપણી તાલુકા પંચાયતની એક બેઠક પર અંદાઝે 47 ટકા જેટલુ મતદાન થયુ હતુ.ભાણવડ અને ઓખાના 156 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થયા છે. હવે તા.5ને મંગળવારે મત ગણતરી હાથ ધરાશે.

દેવભૂમિ જિલ્લાના ઓખા નગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં રવિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોવિડ પ્રોટોકોલ પાલન સાથે મતદાન શરૂ થયુ હતુ.ભાજપના 34, કોંગ્રેસના 29 અને આમ આદમી પાર્ટીના 20 સહિત 84 ઉમેદવારો મેદાનમાં રહયા છે.જુદા જુદા 50 બુથ પર શાંતિપુર્ણ રીતે મતદાન યોજાયુ હતુ.જેમાં સરેરાશ 55.07 ટકા અંદાજીત મતદાન નોંધાયુ હતુ.

જયારે ભાણવડમાં નગરપાલિકા સુપરસીડ થયા બાદ રવિવારે ફરી મધ્યસત્ર ચુંટણી માટે મતદાન થયુ હતુ.જેમાં જુદી જુદી 24 બેઠકો માટે 71 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.તમામ બેઠકો પર મોડી સાંજ સુધીમાં સરેરાશ અંદાજીત 62.27 ટકા જેટલુ ઘીંગુ મતદાન થયુ હતુ. જયારે પેટા ચુંટણીમાં દ્વારકા નગરપાલિકાના વોર્ડ નં.5ની એક બેઠક માટે યોજાયેલી ચુંટણીમાં સરેરાશ 36.21 ટકા મતદાન થયુ હતુ.આ ઉપરાંત દ્વારકા તાલુકા પંચાયતની ટુંપણી બેઠક પર પણ મતદાન પ્રક્રિયા સંપન્ન થઇ હતી.જેમાં અંદાજે સરેરાશ 47 ટકા જેટલુ ટકા મતદાન થયુ છે. જોકે,મતદાનની ટકાવારીનુ આખરી ચિત્ર રાત્રે સ્પષ્ટ થશે એમ મનાય છે.

ભાણવડમાં ઇવીએમ મશીનમાં ક્ષતિ, ફેર મતદાનની કોંગ્રેસની માંગ
ભાણવડના વોર્ડ નં.1ના શાળા નં.2માં કેન્દ્રમાં ચાલતા મતદાન વેળા ઇવીએમ મશીનમાં 6 નંબરનો અંક બરાબર ના ચાલતા કોંગી ઉમેદવાર સહિતનાએ હોબાળો મચાવ્યો હતો.જે ઇવીએમ મશીન બાદમાં બદલવામાં આવ્યુ હતુ.વારંવાર જાણ કરવા છતા પગલા ન લીધાનો આક્ષેપ કરી કોંગ્રેસે ત્યાં ફેર મતદાનની માંગ કરી હતી. જેનીજાણ થતાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમ ભાણવડ દોડી ગયા હતાં. આ મુદ્દે કોંગ્રેસના ઉમેદવારોએ ધરણા પર બેસી જઇ વિરોધ દર્શાવ્યો હતો.

સિકકા પાલિકાની એક બેઠક પર 54.29 ટકા
જામનગર જિલ્લાના સિકકા પાલિકાની વોર્ડ નં.4ની ખાલી પડેલી એક સ્ત્રી અનામત સામાન્ય બેઠક પર રવિવારે પેટા ચુંટણી યોજાઇ હતી.જેમાં ત્રણ ઉમેદારો મેદાને પડયા હતા.આ બેઠક પર સરેરાશ 54.29 ટકા અંદાજીત મતદાન નોંધાયુ હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

ઓખા પાલિકાની 2 બેઠક અગાઉ બીનહરીફ થઇ
ઓખા નગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ નં.8માં અગાઉ બે બેઠક બીન હરીફ થતા ભાજપના ફાળે ગઇ હતી.બંને બેઠક પર હરીફ ઉમેદવારોએ ફોર્મ પાછી ખેંચી લેતા ભાજપના મહિલા સભ્યો બિન હરીફ જાહેર થયા હતા.પાલિકા ચુંટણીમાં 84 ઉમેદવાર મેદાન રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...