જામનગરના વેપારી યુવાને લગભગ ત્રણેક વર્ષ પુર્વે એક મકાન ખરીદ કર્યુ હતુ જે મકાન પર તેને વેચનાર શખસે રૂ.55 લાખની બેન્ક લોન મેળવી હતી. જે બાબત છુપાવી રાખી બોજાવાળુ મકાન વેંચી નાખવા અંગે બે શખસો સામે પુર્વયોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત અને છેતરપિંડની ફરીયાદ નોંધાઇ છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના પાણાખાણ વિસ્તારમાં મયુરનગર પાસે પ્રજાપતિની વાડી નજીક રહેતા ભગવતસિંહ ઉમેદસિંહ જાડેજા નામના વેપારી યુવાને સીટી સી પોલીસ મથકમાં નિલેશ માધવજીભાઇ પરમાર અને ભાવેશ રામજીભાઇ સચદેવ(રે. નંદાણા) સામે પુર્વયોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત અને છેતરપિંડની ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જાહેર થયા મુજબ આરોપી નિલેશ અને ભાવેશએ પૂર્વયોજીત કાવતરૂ રચી નિલેશએ પોતાની માલિકીનુ મકાન તેના મિત્ર ભાવેશ સચદેવના નામે બેન્ક ઓફ બરોડામાં મોર્ગજલોન રૂપે રૂ.55,10,107નુ ધિરાણ મેળવી લીધુ હતુ.જે લોન ભરપાઇ કર્યા વગર મકાનના દસ્તાવેજમાં બેન્ક લોનનો ઉલ્લેખ કર્યા વગર ગત તા.19/2/20ના રોજ નિલેશએ દસ્તાવેજ ભાવેશને કરી આપ્યો હતો.
ત્યારબાદ આઠ જ દિવસમાં ભાવેશ સચદેવે મકાન દસ્તાવેજમાં બેન્ક લોન ઉલ્લેખ કર્યા વગર ભગવતસિંહને વેચાણ દસ્તાવેજથી આપી દિઘુ હતુ. આરોપીઓએ ભોગગ્રસ્તને મકાન વેચતા પુર્વે બેન્ક લોનના નાણા મેળવી લઇ ભરપાઇ ન કરવા પડે માટે કાવતરૂ રચી બેન્ક લોનની હકિકત છુપાવી વેચાણ દસ્તાવેજ કરી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.સીટી સી પોલીસે સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.