હાલાકી:જામનગરમાં બેંક હડતાળથી એક જ દિ’માં 1250 કરોડનું ક્લિયરિંગ ખોરવાયું, આજે પણ બેંકો બંધ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીકૃત બેંકોના ખાનગીકરણનો ભારે વિરોધ કરાયો, શહેર અને જિલ્લાની 12 બેંકની 82 શાખા બંધ રહી, ખાતેદારોને ભારે મુશ્કેલી
  • સજુબા સ્કૂલ પાસે ઉગ્ર દેખાવો સાથે સૂત્રોચ્ચાર કર્યા
  • ​​​​​​​બેંક કર્મીઓ દ્વારા શાકભાજી વેંચનાર માફક બેંકો વેંચવાની છે તેવું બોર્ડ દર્શાવી બેંકોનું વેંચાણ કરવામાં આવી રહ્યાની લઘુ નાટિકા અને સૂત્રોચ્ચાર સાથે દેખાવો

રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણની હીલચાલના વિરોધમાં જામનગર સહિત દેશભરમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ ગુરૂવારથી બે દિવસની હડતાલ પર ઉતર્યા છે. બેંક હડતાળના પગલે શહેર-જિલ્લાની 12 બેંકની 82 શાખા બંધ રહેતા એક દિવસમાં રૂ.1250 કરોડનું કલીયરીંગ ખોરવાતા ખાતેદારોને ભારે હાલાકી પડી હતી. બેંક કર્મીઓ દ્વારા શાકભાજી વેંચનાર માફક બેંકો વેંચવાની છે તેવું બોર્ડ દર્શાવી બેંકોનું વેંચાણ કરવામાં આવી રહ્યાની લધુ નાટિકા અને સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યા હતાં.

દેશની રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણના વિરોધમાં ગુરૂવારથી બે દિવસ માટે બેંક કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે. જેમાં જામનગરના 750 જેટલા કર્મચારીઓ જોડાયા છે. રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓએ ગુરૂવારે સવારે સજુબા સ્કૂલ પાસે એકઠા થયા હતાં અને બેંક વેંચાવાની છે તેવી લઘુનાટિકા સાથે દેખાવ અને સૂત્રોચ્ચાર કર્યા હતાં.

બેંક હડતાળના કારણે એક જ દિવસમાં રૂ.1250 કરોડનું કલીયરીંગ ખોરવાયું હતું. આ તકે બેંક કર્મચારીઓએ જણાવ્યું હતું કે, નાના કર્મચારી, ખેડૂત, સામાન્ય માણસને લોન મળતી નથી. પરંતુ દેશના ધનાઢ્ય ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાની લોન આપવામાં આવે છે. આથી હડતાલની જરૂર પડી છે. સરકાર 100 વર્ષ જુની સંપત્તિ વેંચીને દેશ ચલાવવા માંગે છે. મહત્મ વર્ગ ખાનગીકરણથી વિરોધમાં છે.

બેંકોમાં નાખેલા ચેક સોમવારે ક્લિયર થશે
રાષ્ટ્રીયકૃત બેંકોની બે દિવસની હડતાળના કારણે ગુરૂવાર અને શુક્રવારના બેંક બંધ રહેશે. આથી ચેકનું કલીયરીંગ ખોરવાઇ ગયું છે. જેના કારણે બુધવારે બેંકના ડ્રોપ બોકસમાં નાખવામાં આવેલા ચેક સંભવત: સોમવારે કલીયર થશે.

દીકરાનો પગાર બે મહિને થયો, પૈસા ઉપાડવા આવી’તો બેંક જ બંધ હતી: વૃદ્ધા
મારો પુત્ર હોસ્પિટલમાં નોકરી કરે છે. જેનો પગાર બે મહિને બેંકમાં જમા થયો છે. હાથ ઉપર નાણાં ન હોવાથી ગુરૂવારે બેંકમાં નાણાં ઉપાડવા આવી હતી. પરંતુ બેંક બંધ હોવાથી નિરાશ થઇ હતી. જો કે, બેંકના બંધ દરવાજા પાસે ઉભી હતી ત્યારે અન્ય નાગરિકના સહયોગથી એટીએમમાંથી નાણાં ઉપાડવા શકય બન્યા હતાં. -ડાયીબેન પારિયા, જામનગર.

આરટીજીએસ ન થયું આથી નાણાં ન ચૂકવી શક્યા, વેપારી સાથેના સંબંધ બગડે છે
બેંકમાં ગુરૂવારે આરટીજીએસ કરવા આવ્યો હતો. પરંતુ બેંક હડતાળના કારણે આરટીજીએસ થઇ શકયું ન હતું. બે દિવસ બેંકની હડતાળ છે. આથી જયાંથી માલ લીધો છે તે વેપારીને નાણાં ન ચૂકવી શકતા સંબધ વણસે છે. બેંક કર્મચારીઓને મસમોટો પગાર મળતો હોવા છતાં હડતાળ શા માટે પાડે છે તે યોગ્ય નથી. -મુકેશ પટેલ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...