જામ જોધપુર તાલુકાના એક પિતાને તેની પુત્રીને અમદાવાદમાં પેરામેડીકલ કોમ્યુનિટી કોલેજમાં એડમિશન લેવાનું હોવાથી તેમને કૌટુંબિક પિતા-પુત્ર અને પુત્રી દ્વારા વિશ્વાસમાં લઈ એડમિશનના બહાને રૂ. 5 લાખ 70 હજારની રકમ સમયાંતરે પડાવી લીધી હતી. જેથી છેતરપિંડીનો ભોગ બનનાર પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપી પિતા-પુત્ર અને પુત્રીની ધરપકડ માટે શોધખોળ આરંભી છે.
ફીના રૂ. 10 હજાર જ ભર્યા
જામજોધપુર તાલુકાના બાલવા રેલવે સ્ટેશન પાસે રહેતાં અને મજૂરી કામ કરતા રામજી બાબુભાઈ ઝીંઝુવાડિયા નામના વ્યક્તિની પુત્રીને અમદાવાદમાં આવેલી પેરામેડીકલ કોમ્યુનિટી કોલેજમાં એડમિશન લેવાનું હોવાથી આ એડમિશન માટે અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા ત્રિવેણી પાર્કમાં રહેતી રેખાબેન જયંતી ઝીંઝુવાડિયા, જૂનાગઢમાં રહેતા જયંતી મોહનભાઈ ઝીંઝુવાડિયા અને વિશાલ જયંતી ઝીંઝુવાડિયા નામના ત્રણ વ્યક્તિએ રામજીભાઈને વિશ્વાસમાં લઇ એડમિશનના બહાને રૂ.5 લાખ 70 હજારની રકમ સમયાંતરે પડાવી લીધી હતી, તેમજ આ રકમમાંથી ફી ના રૂ.10 હજાર ભર્યા હતાં. બાકીની રકમ ત્રણેય વ્યક્તિએ પોતાના અંગત ઉપયોગમાં ખર્ચ કરી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ છેતરપિંડી પ્રકરણમાં ભોગ બનનાર રામજી દ્વારા જાણ કરવામાં આવી હતી.
પિતા-પુત્ર અને પુત્રીની ધરપકડ માટે પોલીસે શોધખોળ આરંભી
જેના આધારે પીઆઈ એમ.એન. ચૌહાણ તથા સ્ટાફે રામજીના નિવેદનના આધારે અમદાવાદમાં રહેતા રેખાબેન જયંતી ઝીંઝુવાડિયા, જૂનાગઢમાં રહેતા જયંતી મોહનભાઈ ઝીંઝુવાડિયા અને વિશાલ જયંતી ઝીંઝુવાડિયા નામના પિતા-પુત્ર અને પુત્રી સહિત ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. પોલીસ તપાસ દરમિયાન આ ત્રણેય રામજીના કૌટુંબિક જ હોવાનું અને તેમણે જ એડમિશનના બહાને છેતરપિંડી આચરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલતાં ત્રણેયની ધરપકડ માટે શોધખોળ આરંભી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.