જામનગરમાં રૂ.2 કરોડની સોપારી લઇ હસમુખ પેઢડિયા અને તેના ભાઇ પર ફાયરીંગ કરી જીવલેણ હુમલાના કેસમાં અદાલતે બંને આરોપીની જામીન અરજી રદ કરી છે. ક્રીમીનલ માઇન્ડથી ગુનો કરનારને પેરીટીનો લાભ મળે નહીં તેમ સેશન્સ કોર્ટે ઠેરવ્યું છે.
શહેરભરમાં ચકચાર જગાવનાર કેસની વિગત એવી છે કે, હસમુખ પેઢડિયા અને તેના ભાઇ જયસુખ ઉર્ફે ટીના ઉપર ગત મે મહિનામાં ભરત ઉર્ફે કાચો કરમશી ચોપડા અને દીપ હરજી દહીયાએ ફાયરીંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવની પોલીસ તપાસમાં ભૂમાફીયા જયેશ પટેલે લંડનમાં બેઠા-બેઠા હસમુખ પેઢડિયાની હત્યાની રૂ. 2 કરોડની સોપારી ભરતને આપી હોવાનું ખૂલ્યું હતું.
આટલું જ નહીં ભરતે વોટસઅપ કોલ દ્વારા જયેશ સાથે સંપર્કમાં રહી અમદાવાદથી હથિયાર મંગાવી ભાડૂતી મારા દ્વારા ફાયરીંગ કરાવ્યું હતું. આ ગુનામાં બે આરોપી જામીન પર છૂટતા ભરત અને દીપે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ જમન ભંડેરીએ ક્રીમીનલ માઇન્ડથી ગુનો કરનારને પેરીટીનો લાભ મળે નહીં અને ગુનામાં ભરત અને દીપની ભૂમિકા ખૂબજ ગંભીર હોવાની રજૂઆત કરી હતી. જે ધ્યાને લઇ સેશન્સ કોર્ટે બંને આરોપીની જામીન અરજી રદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.