આર્યુવેદ તરફ લોકોને આકર્ષવા પ્રયાસ:જામનગરમાં 'આયુર્વેદ અને મિલેટ્સ આધારિત આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળાને સાંસદ પૂનમબેન માડમે ખુલ્લો મુક્યો

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર સ્થિત આયુર્વેદ ક્ષેત્રનું રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા 'ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ' (I. T. R. A.) દ્વારા આયુર્વેદ થકી સ્વાસ્થ્ય ઉત્કર્ષ અને વૈશ્વિક પ્રવાહોથી લોકોને અવગત કરાવવાના આશયથી 'આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો- 2023'નું આયોજન તા. 18 માર્ચથી આગામી તા. 21 માર્ચ સુધી ધન્વંતરિ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.
​​​​​​​વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરીક્ષણની સેવા
આ આયુર્વેદ એક્સ્પો વિશાળ અર્થમાં લોકોની વિવિધ જીવન શૈલીને આકાર આપવા અને આયુર્વેદ થકી જન સ્વાસ્થ્યને મજૂબત કરવા અર્થે આયોજિત કરવામાં આવ્યો છે. અહીંયા મુલાકાતીઓને સવારે 10:00થી 01: 00 અને સાંજે 04: 00થી 07: 00 વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરીક્ષણની સેવા આપવામાં આવે છે.
વિવિધ આયુર્વેદીય ચિકિત્સા પદ્ધતિ વિષે માહિતી
આ ઉપરાંત, આ અત્યાધુનિક એક્સ્પોમાં પ્રકૃતિ પરીક્ષણ, જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, યોગનું પ્રત્યક્ષ નિદર્શન અને માર્ગદર્શન, આયુર્વેદ અનુસાર પોષણ અને મિલેટસની જાણકારી, ઓડિયો- વિડીયો નિદર્શન, સ્વાસ્થ્ય રક્ષણ અને સામાન્ય બીમારીઓ માટેના ઘરગથ્થુ ઉપચારો, ઔષધિના રોપાઓનું વિનામૂલ્યે નિદર્શન અને વિતરણ, ઘર આંગણાની ઔષધિઓનો પરિચય તથા તેનો ચિકિત્સાકીય ઉપયોગ, ઋતુ અનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, વિવિધ આયુર્વેદીય ચિકિત્સા પદ્ધતિ વિષે માહિતી, વિવિધ ફાર્મસીઓની આયુર્વેદ દવાઓ, આયુર્વેદ ફૂડ ફેસ્ટિવલ અને ખાસ કરીને મિલેટ્સ- જાડા ધાન્ય અંગેના વિશેષ પ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એક્સ્પોમાં ખાણીપીણીના સ્ટોલ સિવાયની તમામ સુવિધા જાહેર જનતા માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
ચિકિત્સા પદ્ધતિઓ અંગેનું માર્ગદર્શન લાભદાયક નીવડે એ હેતું
​​​​​​​
સાંસદ પૂનમબેન માડમના હસ્તે આયુર્વેદ એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિલેટ્સ એટલે કે જાડા ધાન્યોના ઉપયોગ થકી લોક સ્વાસ્થ્ય ઉત્થાન માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘને (U.N.) પ્રસ્તાવ રજૂ કરાયો હતો. તેના ઉપક્રમે સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચાલુ વર્ષ 2023 ને 'ઈન્ટરનેશલ યર ઓફ મિલેટ્સ' તરીકે જાહેર કર્યું છે. હાલમાં, સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી થઇ રહી છે. કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા સંચાલિત જામનગરન 'ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ' દ્વારા આ ઉજવણીને અનુમોદન આપવા અર્થે 'હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો- 2023' નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં સૌપ્રથમ વખત હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો- 2023 નું આયોજન થવા જઈ રહ્યું છે. જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને સુરક્ષિત, પ્રભાવી, સરળ, સસ્તા અને ઘરગથ્થુ ઉપચારો તેમજ આયુર્વેદની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અંગેનું માર્ગદર્શન લાભદાયક નીવડે એ હેતુથી આ સમગ્ર મેળો આયોજિત કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, સંસ્થાના ડાયરેક્ટર પ્રોફેસર અનુપ ઠાકર, ડેપ્યુટી ડાયરેક્ટર ડો. મોઢા, જનસંપર્ક અધિકારી ચિત્રાંગદ જાની તેમજ બહોળી સંખ્યામાં વિધાર્થીઓ અને મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...